અમદાવાદ: INDIA ગઠબંધનના ટોચના આગેવાન અને NCP સુપ્રિમો શરદ પવારે આજે દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સાથે દેખા દેતા દેશનું રાજકારણ ગરમાયું છે. શરદ પવારે આજે ગૌતમ અદાણીની સાથે દેશના પ્રથમ લેક્ટોફેરીન પ્લાન્ટના ઉદ્ધાટનની તસવીરો સામે આવતા રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ બન્યું છે. આજે શરદ પવારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ચાચરાડી ગામ ખાતે ગૌતમ અદાણીની સાથે લેક્ટોફેરીન પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે, જે બાબતે શરદ પવારે પણ પોટે ટ્વીટ કરીને માહિતી આપી છે.
ઉદ્ધાટનની તસ્વીરો આવી સામે: શરદ પવારે ટ્વીટમાં ગૌતમ અદાણી સાથે લેક્ટોફેરીન પ્લાન્ટના ઉદ્ધાટનની બે તસ્વીરો શેર કરી છે. આજે સવારે શરદ પવારને રાજ્યના NCP આગેવાન જયંત બોસ્કીએ અભિવાદન કરીને આવકાર્યા હતા. INDIA ગઠબંધન સામાન્ય રીતે દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઇને સતત વિવાદિત નિવેદનો આપતું રહ્યું છે. ત્યારે INDIA ગઠબંધનના મહત્વના નેતા શરદ પવારના હસ્તે કરાયેલ પ્લાન્ટના ઉદ્ધાટનની તસવીરો અને ગૌતમ અદાણી સાથેના સંબંધોને લઇને ચર્ચાઓ જામશે એવી શંકાઓ સેવાઇ રહી છે.