અમદાવાદના આંગણે રાગ-રાગિણીની રમઝટ જામશે અમદાવાદ :આરાધના સંગીત એકેડમી અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા રસિક આરાધના ઉત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પં. રસિકલાલ અંધારિયાની યાદમાં આયોજીત બે દિવસીય કાર્યક્રમ સંગીતપ્રેમીઓ માટે અમૂલ્ય અવસર બની રહેશે. 20 અને 21 ડિસેમ્બર એમ બે દિવસ વિવિધ ખ્યાતનામ સંગીતકારો અને ગાયકોની કલાને રુબરુ માણવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે.
રસિક આરાધન ઉત્સવ 2023 : પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પં. રસિકલાલ અંધારિયાની યાદમાં આયોજીત રસિક આરાધના ઉત્સવનું આયોજન અમદાવાદના આંગણે થયું છે. રસિક આરાધના ઉત્સવ 2023 ના પ્રથમ દિવસે પ્રખ્યાત અને ખ્યાતનામ સંગીત કલાકારોએ મધુર કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પદ્મશ્રી જોરાવરસિંહ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. પદ્મશ્રી જોરાવરસિંહ, મંજુ મહેતા, ડો. પ્રદિપ્તા ગાંગુલી અને રૂપેશ શાહ સહિતના મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી આરાધના ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા માઁ સરસ્વતીની પ્રાર્થના સાથે ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
રાગ-રાગિણીની રમઝટ :આ કાર્યક્રમના પ્રથમ સત્રમાં મંજુ મહેતાએ સિતાર પર રાગ પીલુ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં વિનોદ વૈષ્ણવે તબલા પર તેમનો સાથ આપ્યો હતો. કાર્યક્રમના બીજા સત્રમાં ડો. મોનિકા શાહે વિલંબિત ઝપતાલમાં રાગ રાગેશ્રી રજૂ કર્યો હતો. ત્યારબાદ મધ્ય લાયા તીન તાલ રજૂ કરી અંતે રાગ મિશ્ર મંજ ખમાજમાં ઠુમરીની રજૂઆત સાથે પોતાની પરફોર્મન્સનું સમાપન કર્યું હતું. તેઓના ગાયનથી પ્રભાવિત થઈને ઉપસ્થિત તમામ પ્રેક્ષક અને સંગીતપ્રેમીઓએ ખૂબ પ્રશંસા કરી હતી. તેમની સાથે તબલા પર બિમલ ભટ્ટાચાર્ય અને હાર્મોનિયમ પર આકાશ જોશીએ સાથ આપ્યો હતો.
પં. રસિકલાલ અંધારિયાની યાદમાં આયોજન : કાર્યક્રમના ત્રીજા અને અંતિમ સત્રમાં ઈન્દોરના સંતોષ સંતે વિલંબિત રૂપક અને તીન તાલમાં વાંસળી પર રાગ વાચસ્પતિ વગાડ્યો હતો. તથા એક બેંગોલી ધૂન સાથે પોતાના મધુર પર્ફોર્મન્સનું સમાપન કર્યું હતું. વાંસળીના સુંદર અને મધુર સૂરોથી દૈવી વાતાવરણ સર્જાયું હતું. તેમની સાથે મુંબઈના અનુતોષ દેગરિયાએ સુર પુરાવ્યો હતો. આરાધના સંગીત એકેડમીના ડિરેક્ટર ડો. મોનિકા શાહે સંગીત એકેડમીનો પરિચય આપ્યો અને શાસ્ત્રીય ગાયક પં. રસિકલાલ અંધારિયા વિશે માહિતી આપી હતી. ઉપરાંત મુખ્ય અતિથિ જોરાવરસિંહે પણ વક્તવ્ય આપ્યું. આ સાથે મંજુ મહેતાને રસિક આરાધના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
- વડનગરમાં તાનારીરી સંગીત મહોત્સવ, સીએમના હસ્તે ત્રણ સંગીત નારીરત્નોને એનાયત થયાં એવોર્ડ
- International Culture Festival: ગુજરાતના 140 જેટલા કલાકારોએ બનાવ્યો રેકોર્ડ, ભારતીય સંસ્કૃતિની રજૂઆત કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું