અમદાવાદ: દુષ્કર્મ પીડિતાના કેસની સુનાવણી દરમિયાન અમદાવાદ સેશન્સ કોર્ટનું આ મુદ્દે ધ્યાન જતા તેમણે પોલીસ કમિશનરને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. પીડિતાને નારી સંરક્ષણ ગૃહ મોકલવાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં એક મહિના સુધી રાખવામાં આવી હતી.
દુષ્કર્મ પીડિતાને નારી સંરક્ષણ ગૃહની જગ્યાએ એક મહિના સુધી પોલીસ સ્ટેશનમાં રખાઇ - વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન
દુષ્કર્મ પીડિતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાને બદલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક મહિના સુધી રખાયા હોવાની વાત અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના ધ્યાને આવતા કોર્ટે પોલીસ કમિશનરને તપાસ અધિકારી અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારી સામે તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલા લેવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં આરોપી તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીમાં સુનાવણી દરમિયાન કોર્ટના ધ્યાને આવ્યું કે, પીડિત મહિલાને એક મહિના સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. જેના સંદર્ભમાં કોર્ટે પોલીસ અધિકારી જી.આર. ગોહિલને સવાલ કરતા તેમણે કહ્યું કે, અમદાવાદમાં રહેવા માટે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી પીડિતાને પોલીસ સ્ટેશનમાં રાખવી પડી હતી. કોટે પૂછ્યું કે, નારી સંરક્ષણ ગૃહમાં કેમ ના મોકલ્યા તેનો જવાબ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવ્યો નથી. કોર્ટે આરોપી માસુક કુરેશની જામીન અરજી ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, 24મી જુલાઈના રોજ પીડિતાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને મદદ માગી હતી. ત્યારબાદ નિવેદન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, સરખેજમાં રહેતા માસુક કુરેશ નામનો યુવાન તેને લગ્ન કરવાની લાલચે હૈદરાબાદથી અમદાવાદ લાવ્યો હતો અને ત્યાર પછી લગ્ન ન કરી દુષ્કમ આચરી દેહ-વ્યાપારના ધંધામાં મોકલી દીધી હતી.