અમદાવાદ: રામોલ વિસ્તારમાં કોર્પોરેટરના ઘેર તોડફોડ કરવાના આશરે 3 વર્ષ જૂના કેસમાં શનિવારે અમદાવાદ મેટ્રો કોર્ટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલના જામીન ફગાવ્યાં હોવાની વિગતો સામે આવી છે. 2017માં રામોલના સ્થાનિક કોર્પોરેટરના ઘેર તોડફોડ કરવાના કેસમાં મેટ્રો કોર્ટમાં કેસની ટ્રાયલ દરમિયાન વારંવાર હાર્દિક હાજર ન રહેતાં તેની વિરુદ્ધ કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું હતું.
રામોલ કેસ: મેટ્રો કોર્ટે હાર્દિક પટેલના જામીન ફગાવ્યાં - હાર્દિક પટેલ જામીન અરજી
રામોલ વિસ્તારમાં કોર્પોરેટરના ઘેર તોડફોડ કરવાના આશરે 3 વર્ષ જૂના કેસમાં શનિવારે અમદાવાદ મેટ્રો કોર્ટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલના જામીન ફગાવ્યાં હોવાની વિગતો સામે આવી છે.
હાર્દિક પટેલની ધરપકડ બાદ અન્ય એક કેસમાં ટંકારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. રામોલ પોલીસે હાર્દિકની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેના જામીન નામંજૂર કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે 2015 GMDC વસ્ત્રાપુર કેસમાં હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
હાર્દિક અગાઉ રાજદ્રોહ કેસની ટ્રાયલમાં પણ વારંવાર ગેરહાજર રહેતાં અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું હતું અને ત્યારપછી આ કેસમાં ધરપકડ બાદ જામીન આપવામાં આવ્યાં હતાં. જો કે, ત્યાંથી સિદ્ધપુર પોલીસ દ્વારા અન્ય એક કેસમાં તેની ધરપક્ડ કરાઈ હતી.