રાજકોટ : જિલ્લાના ગોંડલ તાલુકાના ધુળશિયા ગામે રહેતા મણીબેન ઘુસાભાઇ ગલચર (ઉમર વર્ષ 75) પરિવાર સાથે કુદરત અતિક્રૂર બની છે. બે દિવસ પહેલા આવેલા વિનાશકારી વાવાઝોડાએ તેમનું ઘર ધરાશાયી કરી નાખતા હાલ આ પરિવારના સાત સદસ્યો નીચે ધરતી અને ઉપર આભ ઓઢી જીવન પસાર કરી રહ્યા છે.
ગોંડલના ધૂળશિયા ગામે વાવાઝોડાના કારણે પરિવાર બેઘર બન્યો - વાવાઝોડના કારણે પરિવાર બન્યુ બે ઘર
ગોંડલ તાલુકાના ધૂળશિયા ગામમાં બે દિવસ પહેલા આવેલા વાવાઝોડાના કારણે ઘર ધરાશાયી થઇ જતા એક પરિવારની બે વિધવા મહિલા બે નાના બાળકો સહિત સાત પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા છે.
મણીબેનનું ઘર વાવાઝોડાએ ધરાશયી કર્યું તે તેમના જીવનની પહેલી થપાટ નથી. કુદરતે બે માસ પહેલા તેમના પતિને અને બે વર્ષ પહેલા ઘરના આધારસ્તંભ સમાન પુત્રને છીનવી લીધા હતા. જ્યારે બીજો પુત્ર મનોજભાઈ અસ્વસ્થ હોવાથી તેના પત્ની અને સંતાનની પણ જવાબદારી મણીબેન પર આવી ગઇ છે. મણીબેનની વૃદ્ધ આંખો આ સમયે પણ કુદરત સાથે દ્વંદ કરતું હોય તેવું દેખાઇ રહ્યું છે. સ્વર્ગસ્થ પતિ અને પુત્રની છબી પાસે આ પરિવાર બેઠો હોય ત્યારે ભલભલા કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય છે.
ગામના ઉપસરપંચ અશ્વિનભાઈ ઠુંમર આ પરિવારને સહાય આપવા સરકારી તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતો બહેરા કાને અથડાય હોય તેવું સાબિત થયું હતું. હાલ ગ્રામજનો આ પરિવારનો સન્માન જળવાય તે રીતે મદદ કરી રહ્યા છે.