રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી અમદાવાદ : બિપરજોય ચક્રવાતને ગુજરાત અને રાજસ્થાનને ધમરોળ્યા બાદ કેરળથી ગુજરાતમાં આવતું ચોમાસુ થોડું લેટ થઈ ગયું છે, ત્યારે હવે ચોમાસાના આગમનની તૈયારીઓના ભણકારા વાગી રહ્યા છે. જે સંદર્ભે રાજ્યમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવનારા 5 દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદની સિસ્ટમ : આ સાથે આગામી 3 દિવસમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. બે દિવસ પછી એટલે કે તારીખ 25 અને 26મી એ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જશે. જેને કારણે ચોમાસાની શરૂઆત થઈ જશે, પરંતુ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની શક્યતા નહિવત્ છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે.
આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ વિધિવત શરૂ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે આ સાથે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને પગલે આકાશમાં વાદળો ઘેરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમીમાં પણ રાહત જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગના નિષ્ણાતોના મત મુજબ આ વખતે ચોમાસુ મધ્યમ બની રહે તેવી શક્યતાઓ છે. - મનોરમા મોહંતી (ડાયરેક્ટર હવામાન વિભાગ)
સમુદ્રમાં જે સિસ્ટમ બનવી નથી : ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડે તેવા સંજોગોનું નિર્માણ થયું છે, પરંતુ હવામાન વિભાગના મતે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તે માટે હજુ વરસાદ માટે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવી જોઈએ તે બની નથી. તેને લઈને ચોમાસામાં વિલંબ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ રાજ્યમાં એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે 27 તારીખ બાદ ચોમાસાની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. જ્યારે હાલ આ સિસ્ટમ અનુસાર હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. આગમન સાથે વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.
- Artificial Rain : IIT કાનપુરનો કમાલ, પાંચ હજાર ફૂટની ઊંચાઈથી કૃત્રિમ વરસાદનું સફળ પરીક્ષણ
- Navsari News : ગણદેવીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે પાટીલે પુરની સામગ્રીનું કર્યું વિતરણ
- Rain News : જામનગરના આ ગામમાં રોટલો કૂવામાં પધરાવી વરસાદનો વરતારો કરવામાં આવે છે, જાણો તે પાછળનું રહસ્ય