અમદાવાદ: અમદાવાદમાં દિવસે અને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલ પર ભારણ વધતા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા ચાર્જ કરતા 10 ટકા ઓછી રકમ વસુલવાનો ખાનગી હોસ્પિટલોને આદેશ કર્યો છે.
ખાનગી હોસ્પિટલ નક્કી કરાયેલા ચાર્જ 10 ટકા ઓછા વસુલે: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા ચાર્જ કરતા 10 ટકા ઓછી રકમ વસુલવાનો ખાનગી હોસ્પિટલોને આદેશ કર્યો છે.
હાઇકોર્ટે આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું છે કે ખાનગી હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા ચાર્જથી વધુ રકમ કોરોના દર્દીઓ પાસેથી વસૂલી શકશે નહિ અને જો ખાનગી હોસ્પિટલો દ્વારા MOU ભંગ કરીને વધુ પૈસા વસુલવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કોરોના મહામારી સામે લડવા રાજ્ય સરકારે 45 જેટલી ખાનગી હોસ્પિટલો જાહેર કરી છે અને તેમાં લગભગ 62 ટકા બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ રહેશે. હાઇકોર્ટે ગત આદેશમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે રાખવાનો આદેશ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 45 હોસ્પિટલના 3303 બેડમાંથી 2048 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે ઝાયડ્સ હોસ્પિટલ, કે.ડી હોસ્પિટલ અને કોલમ્બિયા એશિયા તેમના કુલ 415 બેડમાંથી 213 કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ કરાવશે. વી.એસ હોસ્પિટલનું રિપેરીંગ ચાલતું હોવાથી ત્યાં કોરોનાની હાલ પૂરતી સારવાર કરવી યોગ્ય નથી.
કોરોના મહામારીને લીધે જે શ્રમિકો વતન પરત જઇ રહ્યા છે તેમના માટે હાઇકોર્ટે ગત આદેશમાં રેલવેને વન-વે ટિકિટ ચાર્જ માફ કરવાનો અથવા રાજ્ય સરકારને ટિકીટ ભાડું ભોગવવાનો આદેશ કર્યો હતો જેના ભાગરૂપે રાજ્ય સરકાર 24મી મેથી જનાર તમામ શ્રમિકોના ટિકિટ ભાડા ચૂકવશે.