અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે બજારમાં અનેક ધંધાઓ ઠપ્પ થઇ ગયા છે. તેમજ લોકોની નોકરીઓ પર પણ ઘેરી અસર પડી છે, ત્યારે એવામાં તાજેતરમાં નવરાત્રીને લઇને ગુજરાત સરકારે ગરબાના આયોજન પર પ્રતિબંધ લગાવ્યો છે. તહેવારો પર પ્રતિબંધ લગાવતા ઘણાં લોકોની રોજીરોટી છીનવાઇ ગઇ છે, ત્યારે નવરાત્રીની ઉજવણી મામલે ડૉક્ટર અને કલાકારો સામ સામે આવી ગયા છે.
સોશિયલ મીડિયામાં આ મામલે ઘમાસાણ મચી ગયું છે. કોરોનાના કારણે ડૉકટર્સ દ્વારા નવરાત્રી નહીં યોજવા મુદ્દે સરકારને રજૂઆત કરાઇ હતી. જેનાં પગલે કેટલાંક કલાકારોમાં રોષ ફેલાયો હતો અને ડૉક્ટર્સ વિરુદ્ધ સોશિયલ મીડિયામા અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કેટલાક ડૉક્ટરો દ્વારા આ મામલે સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં તબીબો અને સરકાર વિરુદ્ધ પોસ્ટ, નવરાત્રી અંગે કલાકારોમાં જોવા મળી રહ્યો છે આક્રોશ કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસ વધતા હોવાંને કારણે રાજ્યનાં આરોગ્ય વિભાગ માટે આ એક ચિંતાનો વિષય છે, ત્યારે આવા કપરા સમયમાં નવરાત્રી યોજવી કે નહીં તે અંગેનો નિર્ણય કરતા સરકારે નવરાત્રી સહિતના તહેવારો પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે ગરબાનું આયોજન નહીં કરવા મામલે કોરોનાના ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવાં તબીબોએ જોરશોરથી આ અંગેની રજૂઆત કરી હતી, ત્યારે આખરે સરકારે ગરબાનું આયોજન નહીં કરવાનો નિર્ણય કરતા કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
છેલ્લાં 6 મહિનાથી આર્થિક તકલીફનો સામનો કરી રહેલા કલાકારો ડૉકટર્સ પર રોષે ભરાતા સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરીને પોસ્ટ વાયરલ કરી છે. જેમાં ડૉકટર્સની હોસ્પિટલ પર જઈ પોસ્ટર સાથે અને ઢોલ નગારા સાથે વિરોધ કરવાની ચીમકીઓ આપવામાં આવી છે. આ મામલે અમદાવાદનાં ડૉકટર્સે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અને આવી પોસ્ટ વાયરલ કરનારા કલાકારો વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં તબીબો અને સરકાર વિરુદ્ધ પોસ્ટ, નવરાત્રી અંગે કલાકારોમાં જોવા મળી રહ્યો છે આક્રોશ બબલુ અમદાવાદી નામના શખ્સે તબીબો વિરુદ્ધ પોસ્ટ કરી હતી. તબીબોએ ફરિયાદ કરતા ફેસબુક પરથી પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. તબીબો વિરુદ્ધ પોસ્ટ કરીને અણછાજતી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનએ CMને પત્ર પણ લખ્યો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે કાર્યવાહીની માગ કરી છે.
સોશિયલ મીડિયામાં તબીબો અને સરકાર વિરુદ્ધ પોસ્ટ, નવરાત્રી અંગે કલાકારોમાં જોવા મળી રહ્યો છે આક્રોશ કોરોના કાળમાં ડૉક્ટરો સતત મહેનત કરે છે. દેશમાં 500થી વધુ ડૉક્ટરોનું કોરોનાથી મૃત્યુ થયું છે. નવરાત્રિને લઇ સરકારનું ધ્યાન દોરવું અમારી ફરજ છે. તબીબને બદનામ કરનાર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પાંચ તબીબોનો વિરોધ કરાયો છે. 5 ડૉક્ટરોનાં નામ સોશિયલ મીડિયામાં લખીને પોસ્ટ વાયરલ કરાઇ છે. જેમાં ડૉ. મોના દેસાઈ, ડૉ. મુકેશ મહેશ્વરી, ડૉ. વસંત પટેલ, ડૉ. મીતાલી વસાવડા અને ડૉ. પ્રભાકર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે. સોશિયલ મીડિયામાં કેટલાંક લોકોએ ડૉક્ટરોના ઘરે અને ક્લિનિક પર કાર્યક્રમ કરવાની ચીમકી આપી હતી. જેથી ડૉક્ટરોએ સોશિયલ મીડિયામાં થઈ રહેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ વ્યક્ત કર્યો હતો.