રાજકીય પાર્ટીઓએ શું કહ્યું અમદાવાદઃ લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પાર્ટી પોતાની સત્તા મેળવવા માટે એડીચોટીનો જોર લગાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની દરખાસ્ત આવનાર સત્રની અંદર મૂકવાની તૈયારી દર્શાવી છે. જેને લઈને અન્ય રાજકીય પાર્ટી આને લઈને વિરોધ કરી રહી છે. તો આવો જાણીએ રાજકીય પાર્ટીઓનું શું મત છે...
દેશને મૂળ મુદ્દાથી ભટકાવવાનો પ્રયાસ:ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષી જણાવ્યું હતું કે, 'દેશને મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે અને સાડા નવ વર્ષના નિષ્ફળ શાસન આપનાર NDAની સરકારના ખુરશીના પાયા ડગમગી ગયા છે. જેના કારણે ભાજપ હરકતમાં આવી છે. ઇન્ડિયા નામ બદલીને ભારત કરવાથી કેટલાય નામ બદલવા પડશે. એક બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી દેશને એક નારો આપ્યો કે "જુડેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા". જેઓ પદયાત્રા કરીને દેશને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના કારણે સત્તાધારી પાર્ટી હવે દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે.
બંધારણનો સુધારો કરવો પડે: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપ-પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું કે મોંઘવારી, ભ્રષ્ટાચારના મુદ્દે નહીં પરંતુ હવે દેશનું નામ બદલવાની વાત કરવામાં આવી રહી છે. દેશનું નામ બદલવા માટે બંધારણનો સુધારો કરવો પડે. આ સાથે સાથે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની ઉપર ઇન્ડિયા નામ લખવામાં આવ્યું છે. જેમ કે દેશની ચલણી નોટોમાં પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેટવે ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ગેટ. અનેક એવી જગ્યા છે કે જ્યાં ઇન્ડિયા લખવામાં આવ્યું છે. આ પણ એક એવો મુદ્દો છે કે જેમ UCCનો મુદ્દો લાવીને લોકોનું ધ્યાન ભટકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ઇન્ડિયા નામ અંગ્રેજોએ આપ્યું:રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે ભારત નામ કરવાની કોઈ વિચારણા નથી. પરંતુ જી-20 ના આમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું છે. એનો અર્થ એ થાય છે કે ગમે ત્યારે ભારત નામ થવાની શક્યતા જણાઈ રહી છે અને ભારત નામ થાય તે પણ અત્યંત આવશ્યક છે. કારણ કે એક હજાર વર્ષ જૂના પણ પુરાણો ગ્રંથોની અંદર પણ ભારતનું જ નામનો ઉલ્લેખ છે. ઇન્ડિયા નામ તો અંગ્રેજોએ આપ્યું છે. શ્રીલંકા જેવા નાના દેશ પણ આઝાદી બાદ સીલોન નામ બદલીને શ્રીલંકા કરી નાખ્યું છે. આપણે એક બાજુ વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ. આઝાદીના 76 વર્ષ બાદ ઇન્ડિયા નામ બદલીને ભારત કરવાનો વિચાર કરવો પડે તે આપણા માટે ખૂબ જ દુઃખની વાત કહી શકાય છે.
- Special Parliament session: INDIA ગઠબંધનની 24 પાર્ટીઓ સંસદના વિશેષ સત્રમાં લેશે ભાગ, સોનિયા ગાંધી પીએમ મોદીને લખશે પત્ર
- Republic of Bharat : પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવતા થયો વિવાદ