- વિરોધ પક્ષના નેતાએ રાજ્ય ચૂંટણી અધિકારી સમક્ષ કરી ફરિયાદ
- સમગ્ર તંત્ર શાસક પક્ષના તાબે થઇ ગયું હોવાનો કોંગ્રેસ વિરોધ પક્ષના નેતાનો આરોપ
- મતદાર યાદી ચૂંટણી પૂર્વે ઉમેદવારને ન આપી હોવાનો આરોપ
અમદાવાદઃવિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તેની નકલ અમરેલી, વડોદરા, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ડાંગ, વલસાડ તથા બોટાદના જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટરને મોકલી છે. જેમાં જણાવ્યું છે કે, વિધાનસભા મતદાર વિભાગની માર્ક કોપી સહિતની મતદાર યાદી ઉમેદવારને ચૂંટણી પૂર્વે આપવાની હોય છે. પરંતુ હજુ સુધી આપી નથી. આ અંગે R.O. Handbookની સૂચનાઓનું પાલન કર્યું નથી. તેમ જ દિવ્યાંગ તથા 80 વર્ષની ઉંમરના સીનીયર સીટીઝનનો તથા કોવીડ-19 સંક્રમિત મતદારોની યાદી ઉમેદવારને આપવાની હોય છે, તે પણ આપી નથી.
ધારી વિધાનસભા મતવિભાગના 7,000 આસપાસ આવા મતદારોને આપના દ્વારા જાણ કરવામાં આવેલ છે, જે અન્વયે ફક્ત 500 મતદારો તરફથી બેલેટ મારફત મતદાન કરવા માટે નિયત નમુનામાં ફોર્મ ભરવામાં આવેલ છે, આ બાબત પણ શંકા ઉપજાવનારી છે, તેમજ ચૂંટણી પ્રક્રિયામાં આવા મતદારોને સાંકળી લેવા માટેની કામગીરી પરત્વે તંત્રની શિથિલતા જણાઈ આવે છે. આ ઉપરાંત ચૂંટણી એજન્ટની નિમણુંક નિયમોનુસાર કરવા માટે ફોટા વિગેરે વિગતો ચૂંટણી અધિકારીને રજૂ કરવા છતા પણ નિમણુંક અંગેની જાણ કે ચૂંટણી એજન્ટનું કાર્ડ હજુ સુધી આપ્યા નથી. જેના કારણે ઉમેદવારે જાતે વિવિધ કચેરીઓમાં જવું પડે છે.
ચુંટણી તંત્રની શિથિલતા તથા અનિયમિતતાઓ અંગે રજૂઆત
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે, લોકપ્રતિનિધિ અધિનિયમ તથા અન્ય નિયમોની જોગવાઈ મુજબ ઈવીએમ, વીવીપેટ રેન્ડમાઈઝેશન વગેરે ચૂંટણીને લગતી પ્રક્રિયામાં ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ હાજર રહી શકે તે માટે તેઓને નિયમોનુસાર લેખિતમાં 48 કલાક અગાઉ જાણ કરીને તેઓની હાજરીમાં પારદર્શક કામગીરી કરવાની હોય છે. તેમ છતા ધારીના ચૂંટણી અધિકારી દ્વારા ખૂબ જ ટૂંકી મુદ્દતની નોટીસથી અગત્યની પ્રક્રિયાઓ ઉમેદવારોની ગેરહાજરીમાં કરવામાં આવી છે, જે બાબતો શંકા ઉપજાવનારી છે. આ ઉપરાંત ચૂંટણી તંત્રની શિથિલતા તથા અનિયમિતતાઓ અંગે રજૂઆત કરી છે.
પેટા ચૂંટણીઓ પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તેવી માંગ
રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીઓ પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે સંબંધકર્તા ચૂંટણી અધિકારીઓને યોગ્ય સૂચના આપવા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિયમોનુસાર થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા ઉમેદવાર તથા તેના ચૂંટણી એજન્ટની હાજરીમાં જ થાય તેવી કાર્યવાહી થવી જોઈએ. જેના બદલે એકપક્ષીય રીતે ચાલી રહેલ પ્રક્રિયા શંકા ઉપજાવનારી છે અને સમગ્ર તંત્ર શાસક પક્ષના તાબે થઈ ગયેલ હોય તેવું ઉક્ત વિગતો જોતા જણાઈ આવે છે.
પૂર્વ તૈયારીઓ અને પૂર્વાયોજનનો પણ અભાવ-કોંગ્રેસ