- લગ્ન પ્રસંગમાં 100 લોકો જ આપી શકશે હાજરી
- રાજ્યમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થતા લેવાયો નિર્ણય
- ઇવેન્ટ મેનેજર્સની મુંજવણ વધી
અમદાવાદ : કોરોના મહામારીની હાલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં અનેક પરિવારમાં લગ્ન લેવાયાં છે, જેના કારણે જે તે વિસ્તારના અનેક લોકો લગ્નની મંજૂરી માટે પોલીસ મથકે આવી રહ્યા છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ દિવસ દરમિયાન લગ્ન પ્રસંગમાં 100 લોકો હાજર રહી શકશે, પરંતુ આ લોકોમાં વર-વધૂનો પણ સમાવેશ થઇ જશે. જેને લઈ ઇવેન્ટ મેનેજર પણ અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
ઇવેન્ટ મેનેજર્સની મુંજવણ વધી લગ્નની મંજૂરી આપ્યા બાદ જે તે દિવસે પોલીસ દ્વારા લગ્ન સ્થળે તપાસ કરવામાં આવશે
જે વ્યક્તિ દ્વારા લગ્નની મંજૂરી મેળવવામાં આવશે, તેમને 100 વ્યક્તિ જ હાજર રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, જેમાં લગ્ન સ્થળે વર-વધૂ, ગોર મહારાજ, મહેમાનો, ઢોલી, રસોઈયા સહિત 100 લોકો જ હાજર રહી શકશે. જે તે વ્યક્તિએ તેમના વિસ્તારના પોલીસ મથકમાંથી નિયત કરાયેલા ફોર્મમાં લગ્નની મંજૂરી મેળવવાની રહેશે. જેમાં મહેમાનની યાદી ઉપરાંત કેટરિંગ સંચાલકનું નામ-સરનામું અને મોબાઇલ નંબર પણ દર્શાવવાનાં રહેશે. લગ્નની મંજૂરી આપ્યા બાદ જે તે દિવસે પોલીસ દ્વારા લગ્ન સ્થળે તપાસ કરવામાં આવશે.
લગ્નમાં વધુ લોકો જોડાશે તો દંડ ભરવો પડશે
તેમજ કેટરિંગ સંચાલકને પણ કેટલી વ્યક્તિ માટે ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો છે, તેની તપાસ કરી ખાતરી કરવામાં આવશે. એટલે કોઈ લગ્ન આયોજક એવું વિચારશે કે 100 વ્યક્તિની મંજૂરીમાં વર-વધૂ કે યજમાન અને ગોર મહારાજ સિવાયના મહેમાનને આમંત્રણ આપી શકાશે, તો આવું કરવાથી તેમને દંડાવું પડશે.
ધામધૂમથી લગ્ન કરવા માટે તૈયારી પાણીમાં
હાલના સમયે 200 લોકોને આમંત્રણ આપી ચૂકેલા યજમાનો અને વેવાઇઓ મૂંઝાયા છે અને પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. જેમના ઘરે લગ્ન પ્રસંગ છે એ માતા-પિતાના જણાવ્યા મુજબ લગ્ન લખાઈ ગયા એટલે રદ્દ નથી કર્યાં, પણ પ્રસંગ માટે જોઇએ તેટલો ઉત્સાહ રહ્યો નથી. દીકરીનાં લગ્ન ધામધૂમથી કરવા માટે તૈયારી કરી હતી તે બધી જ તૈયારી પાણીમાં ગઈ છે.
આમંત્રણ કેન્સલ કરવાનો વારો આવ્યો
પહેલાં કેટરિંગ, મંડપ ડેકોરેશન બધાંના ઓર્ડર કેન્સલ કર્યા હતા. હજૂ એ ટેન્શન પૂરું થયું, ત્યાં 100 માણસની મંજૂરી મળવાના સમાચાર મળ્યા છે. ભાઈઓ-કુટુંબના લોકોને સપરિવાર આમંત્રણ આપ્યું હતું, તેના બદલે હવે માત્ર બે જ વ્યક્તિ નક્કી કર્યા છે. મિત્ર-સ્નેહીઓનાં નામ ફરજિયાતપણે લિસ્ટમાંથી કાઢવા પડે તેવી પરિસ્થિતિ છે. જેટલો માનસિક થાક તૈયારી કરવામાં ન હતો લાગ્યો તેટલો આમંત્રણ કેન્સલ કરવામાં અને સમય મર્યાદામાં લગ્ન આટોપી લેવામાં લાગી રહ્યો છે.