અમદાવાદ : સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ આશિષ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. કાયદાપ્રધાન કિરણ રિજ્જુ દ્વારા ટ્વિટર પર આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા પ્રધાને માહિતી આપી છે કે જસ્ટિસ એ.જે. દેસાઈને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ :નવા ચીફ જસ્ટિસ આશિષ દેસાઈની વાત કરવામાં આવે તો જસ્ટિસ દેસાઈ ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. જસ્ટિસ આશિષ દેસાઈનો જન્મ 5 જુલાઈ 1962 ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે વર્ષ 1985 માં અમદાવાદની સર એલ એ. શાહ લો કોલેજમાથી કાયદાની ડીગ્રી પ્રાપ્ત કરી છે. ડિગ્રી મેળવતાંની સાથે દેસાઈની 27. 11 .1985 ના રોજ બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતમાં તેમની એડવોકેટ તરીકે નોંધણી થઈ હતી. આશિષ દેસાઈ શરૂઆતમાં એમ.સી.ભટ્ટ અને દક્ષા એમ ભટ્ટની ઓફિસમાં પ્રેક્ટિસ માટે જોડાયા હતાં.
આ પણ વાંચો Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, જાણો કોણ છે આ મહિલા
સિટી સિવિલ સેશન કોર્ટમાં વકીલાતથી કારકિર્દીની શરુઆત : નવા ચીફ જસ્ટિસ આશિષ દેસાઈ અમદાવાદની સિટી સિવિલ સેશન કોર્ટમાં વકીલાત કરતા હતા. ત્યાર બાદ 1991થી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1994 માં તેમની મદદનીશ સરકારી વકીલ તરીકે અને વર્ષ 1995માં અધિક સરકારી વકીલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2006 થી 2009 દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ નિયુક્ત થયા હતા. આ સાથે જ દેસાઈ ગુજરાત વિદ્યુત બોર્ડની પેનલ તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની પેનલ પર હતા.
જાહેર હિતને લગતા મહત્વના કેસો સંભાળ્યાં :જસ્ટિસ એ.જે. દેસાઈ દ્વારા બંધારણ અને જાહેર હિતને લગતા મહત્વના કેસોમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. સિવિલ અને ફોજદારી કેસોમાં પણ તેમણે પોતાનું અનન્ય પ્રદાન આપ્યું છે. 21 મી નવેમ્બર 2011 ના રોજ તેમની ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ 6.9 .2013 ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે તેમના સ્વર્ગસ્થ પિતા જસ્ટિસ જીતેન્દ્ર પી દેસાઈ 1983થી 1889 સુધી ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે રહી ચૂક્યા છે.
આ પણ વાંચો Chief Justice Sonia Gokani Oath : ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટીસે લીધા શપથ
દોઢ વર્ષ બાદ નિવૃત્ત થશે :અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીની નિવૃત્તિ બાદ 26 ફેબ્રુઆરી 2023થી જસ્ટિસ એ.જે. દેસાઈ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે ગુજરાત હાઇકોર્ટનો ચાર્જ સંભાળશે. જસ્ટિસ એ જે દેસાઈ 4 જુલાઈ 2024 ના રોજ નિવૃત થવાના છે.