અમદાવાદ :રાહુલ ગાંધીએ મોદી સરનેમના કેસને લઈને સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. મંગળવારે રાહુલ ગાંધી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે. આ કેસમાં રાહુલ ગાંધીને સુરતની નીચલી કોર્ટે બે વર્ષની સજા ફરમાવી છે. રાહુલ ગાંધી સુરત નીચલી કોર્ટના ચુકાદાને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સેશન્સ કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ આજે રાહુલ ગાંધી દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
સુરત સેશન્સ કોર્ટે અરજી ફગાવી:રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં લોઅર કોર્ટે દોષિત જાહેર કરીને બે વર્ષની સજા ફટકારી હતી. જેની સામે રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં બન્ને પક્ષ વચ્ચેચ દલીલ ચાલી હતી. ગુરૂવારનો દિવસ નિર્ણય માટે નક્કી કરાયો હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ એક લાઈનમાં જ ગુરૂવારે સ્પષ્ટતા કરી કે, અરજી ફગાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે લગાવવા પર કોર્ટે મનાઈ કરી દીધી છે. અરજી ફગાવી દેવાઈ છે. સેશન્સ કોર્ટનો ચૂકાદો આવ્યો એ સમયે રાહુલ ગાંધીના વકીલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આ પહેલા કોર્ટમાંથી રાહુલ ગાંધીને જામીન મળી જતા આંશિક રાહત મળી હતી.
શું હતો મામલો:2019 ના લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના પોલાર ખાતે જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોદી સમાજ અને ચોર જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તે સમયે દેશમાં જે કૌભાંડો બહાર આવ્યા હતા. તેમાં મોટે ભાગે નીરવ મોદી અને લલિત મોદીના નામ સામે આવ્યા હતા.