ગુજરાત

gujarat

ETV Bharat / state

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે? - નર્મદા બંધ

કેવડીયામાં 25 અને 26 નવેમ્બર .2020 દેશભરના રાજ્યોના વિધાનસભા ગૃહના સ્પીકર્સની કોન્ફરન્સ યોજાઈ રહી છે. કેવડીયામાં ડીજીપી કોન્ફરન્સ સહિતની આવી રાષ્ટ્રીયસ્તરની કોન્ફરન્સનું આયોજન પહેલાં પણ થઈ ચૂક્યું છે. સરદાર પટેલ એક કુશળ વહીવટકર્તા, પ્રશાસક હતાં ત્યારે તેમની યાદમાં વિકસાવાયેલાં કેવડીયા પરિસરમાં અન્ય પણ ઘણાં આકર્ષણો છે. જેની મુલાકાત મહાનુભાવો લઇ શકે છે. હાલમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોના ગાઈડલાઇન્સના પાલન સાથે સ્પીકર કોન્ફરન્સમાં ભાગ લેવા સંસદના સ્પીકર ઓમ બિરલા કેવડીયા જવા માટે અમદાવાદથી સી પ્લેનમાં બેસીને રવાના થઈ ગયાં છે. આ અવસરે કેવડીયા અને તેના આકર્ષણો પર નજર કરીએ. સાથે કેવડીયા કોલોની વૈશ્વિક પર્યટન સ્થળના નકશા પર કેવી રીતે ઉભરીને આવ્યું તેની વિશેષ જાણકારી આપીશું.

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?
કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?

By

Published : Nov 24, 2020, 6:46 PM IST

  • હોલિસ્ટિક ટુરિઝમના મોડેલ તરીકે ગુજરાતનું કેવડીયા આજે વિશ્વ પ્રવાસન નક્શામાં સામેલ
  • આજના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીની આ સ્થળના વિકાસમાં મોટી ભૂમિકા રહી
  • કેવડીયા આજે ગુજરાતનું જ નહીં દેશનું પણ મહત્ત્વનું ટુરિઝમ સ્પોટ બની ગયું

અમદાવાદઃ આપણો દેશ તેની ચારે દિશામાં અપાર પ્રકૃતિક વૈવિધ્ય લઇને શોભી રહેલો દેશ છે. આપણું ગુજરાત ભારતની પશ્ચિમે આવેલ એવું જ એક પ્રાકૃતિક વૈવિધ્ય ધરાવતું રાજ્ય છે, જ્યાં કચ્છની રણ જેવી સૂકીભઠ ધરા ધખે છે, તો દક્ષિણમાં ડાંગના હરિયાળા જંગલો પણ છે. જ્યાં 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે, તો અરવલ્લીની ગિરિમાળાઓ પણ સાહસિકોને ઇજન આપે છે. આમ છતાં ગુજરાતની પહેલી ઓળખ છે ઔદ્યોગિક, વિકસિત રાજ્યની. ગુજરાતમાં પ્રવાસન વિકાસ માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કામ થયું એવું પહેલાં ન હતું એ કાન પકડીને સૌએ માનવું પડે તેવી સ્થિતિ છે. પ્રાકૃતિક પ્રવાસન સ્થળોને જ્યારે ટુરિઝમ ડેવલપમેન્ટના મેપ પર મૂકવું હોય તો ઘણાં પ્રકારની યોજનાઓ અને મહાકાય વ્યવસ્થાપન, ખર્ચાની વાત પણ આવે. આ દિશામાં જે ગબ્બરકાર્ય થયું તેને એક જ શબ્દમાં સમાવવું હોય તો, માપવું હોય તો હાલના દિવસોમાં એક જ નામ કાફી છે. એ નામ છે. કેવડીયા કોલોની. કેવડીયા મૂળ તો સાવ ખોબા જેવો એવો વિસ્તાર હતો જે વસાવવામાં આવ્યો. પણ તેનું કારણ હતું નર્મદા ડેમનું બાંધકામ. જેનું કામ દાયકાઓ સુધી ચાલ્યું ત્યાં સુધી કેવડીયામાં સરકારી કર્મચારી વસાહત જ હતી અને ધોળેદિવસે પણ જતા ડર લાગે એવું હતું. હવે આસપાસ આજે જે વિકાસ જોવા મળે છે તેના કોઇ ચિહ્નો તે વખતે ન હતા. સમય સમય પર ગુજરાત સરકાર અને ખાસ કરીને તત્કાલીન મુખ્યપ્રધાન અને આજના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીની આ સ્થળના વિકાસમાં મોટી ભૂમિકા રહી છે. હોલિસ્ટિક ટુરિઝમના મોડેલ તરીકે ગુજરાતનું કેવડીયા આજે વિશ્વ પ્રવાસન નક્શામાં શામેલ છે ત્યારે કેવડીયા આજે ગુજરાતનું જ નહીં દેશનું પણ મહત્ત્વનું ટુરિઝમ સ્પોટ બની ગયું છે.

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?

આ ડ્રીમ પ્રોજેક્ટ ધરતી પર ઊતારવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્ર્સ્ટને જવાબદારી સોંપવામાં આવી

નર્મદા બંધ-એટલે કે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની રચના બાદ તેના વિશે અઢળક લખાયું છે જેની વિગતોનું એક વિહંગાવલોકન કરીએ તો રાષ્ટ્રીય અખંડતાના શિલ્પી સરદાર વલ્લલભભાઈ પટેલના નામ સાથે સાકારિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાંગોપાંગ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જે આજે વિશ્વભરમાં સૌથી ઊચા સ્ટેચ્યૂ તરીકે ભારતનું મસ્તક પણ ઉન્નત બનાવી રહ્યો છે. નર્મદા ડેમથી પાંચ કિલોમીટરના અંતરે સ્થિત સાધુબેટ પર સાકાર થયેલો આ પ્રોજેક્ટ 7 ઓક્ટોબર 2010થી શરુ થયો હતો અને 2018માં લોકાર્પિત પણ થઈ ગયો તેમાં નરેન્દ્ર મોદીની સતત ચાંપતી નજર અને પ્રબળ ઇચ્છાશક્તિ પણ કારણભૂત છે. 20,000 ચોરસમીટર વિસ્તારમાં 12 કિલોમીટરના પરિઘમાં બનેલો આ ડ્રીમ પ્રોજેક્ટ ધરતી પર ઊતારવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્ર્સ્ટને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રોજેક્ટના આરંભે બૂર્જ ખલીફા પ્રોજેક્ટના મેનેજર માઈકલ ગ્રેવ્ઝ એસોસિએટ અને મીનહાર્થા કન્સોર્ટિયમ દેખરેખ રાખતાં હતાં અને તેનો પ્રારંભિક અંદાજ 2063 કરોડ રુપિયા અંદાજવામાં આવ્યો હતો. સરદારની પ્રતિમા માટે જરુરી લોખંડ અને અન્ય સાધનો માટે મોદીએ દેશના ખેડૂતો પાસે ટહેલ નાંખી હતી અને દેશના 6 લાખ ગામડાંઓમાંથી ત્રણ મહિનાની ઝૂંબેશમાં 5,000 મેટ્રિક ટન આયર્ન ભેગું થયું હતું. પાંચ લાખથી વધુ ખેડૂતોએ દાન આપ્યું હતું. જેને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નામ સાર્થક બની ગયું હતું. 31 ઓક્ટોબર 2014ના દિવસથી મૂર્તિનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. આ ડ્રીમ પ્રોજેક્ટ મૂર્તિની સાથે મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો, કન્વેન્શન સેન્ટર, પતંગિયા પાર્ક સહિતના ઘણાં આકર્ષણો ધરાવે છે. જેના લીધે દેશવિદેશના લાખો લોકો અહીં મુલાકાત લે છે. એક અંદાજ પ્રમાણે પહેલાં વર્ષમાં જ 35 લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચૂક્યાં છે. આ પ્રોજેક્ટે ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું તેમ જ આસપાસના વિસ્તારોમાં રોજગારી વધારવાનું પણ કામ કર્યું છે. સરદાર પટેલના 138માં જન્મદિવસે 2013માં મૂર્તિનો પાયો નાંખનાર તરીકે ત્યારે મુખ્યપ્રધાન મોદી હતાં અને તે બની ગયાં પછી 2018માં વડાપ્રધાન તરીકે લોકાર્પણ કર્યું હતું.

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?

કેવડીયા જવા માટે રાજ્યના દરેક ખૂણેથી પરિવહન સરળ બનાવાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડીયાની આજુબાજુ પાંચ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ પીએમ મોદીએ તાજેતરની તેમની મુલાકાત દરમિયાન કર્યો છે. કેવડીયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ 25 ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટિંગનો નજારે દિવાળી વેકેશનમાં ફરવા આવેલા લોકોએ અભિભૂત થઈને માણ્યો હતો. પ્રવાસીઓના આવવાથી સ્થાનિક વિસ્તારના યુવાનો અને મહિલાઓ સહિત 3000 કુટુંબને રોજગારીની તકો ઉભી થઇ છે. કેવડીયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ 100 કિ.મી.ની ત્રિજયામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે સને 2020થી 2022 દરમિયાન અંદાજે 9000 કરોડનો લાભ થશે. કેવડીયા જવા માટે રાજ્યના દરેક ખૂણેથી પરિવહન સરળ બનાવાયું છે. ટ્રેન માર્ગનું કામ ચાલુ છે તો રાજ્યના મુખ્ય શહેર અમદાવાદથી ફક્ત 45 મિનીટમાં કેવડીયા જવા માટે સી પ્લેનની સુવિધાથી પણ ઉપલબ્ધ છે.

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?

કેવડીયામાં ટેન્ટસિટી પણ બનાવાઈ

કેવડીયામાં પ્રવાસી આકર્ષણોનો સાચે જ આનંદ માણવો હોય તો તમારે એક દિવસ નહીં, બે દિવસ નહીં પણ ત્રણ દિવસના રોકાણની જરુર પડે તેમ છે. ચિંતા નહીં, પ્રવાસીઓનું રોકાણ સુવિધાભર્યું બની રહે તેવી બે ટેન્ટસિટી પણ બનાવાઈ છે. જ્યા રહીને નર્મદા ડેમ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપરાંતના વેલી ઓફ ફ્લાવર્સ સહિતના બીજાં વીસેક જેટલા નયનરમ્ય આકર્ષણો માણવા માટે પણ તમારે કેવડીયાને પહેલી પસંદગી આપવી પડે..

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?

જંગલ સફારી (સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક) :- વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ઝૂઓલોજિકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ-1100 પક્ષીઓ અને પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકાય છે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ મુક્તપણે ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણી શકે છે. જંગલ સફારી પ્રોજેકટમાં ખાસ કરીને બાળકો માટે પક્ષીઓ અને નાના પ્રાણીઓને સ્પર્શીને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ પર્શિયન બિલાડી, સસલાંઓ, ગુનીયા પીગ, વછેરાં- અશ્વબાળ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?

એક્તા મોલ:- દેશવિદેશના પ્રવાસીઓ કેવડીયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળના 35,000 ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી 20૦ જેટલા પરંપરાગત હેન્ડલૂમ અને હેન્ડિક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદવાનો પ્રવાસીઓ આનંદ માણી શકે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે.

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક: અહીં અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35,000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહી પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલભુલૈયાં પણ છે.

કેવડીયા વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે ઉભરીને આવ્યું છે, કેવી રીતે?

યુનિટી ગ્લો ગાર્ડન :- પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને તેવો છે. આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. 3.61 એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. કેવડીયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવે છે.

કેકટ્સ ગાર્ડન :- સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે. જેમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં ૮૩૮ ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલું છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. અહીં પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.

એક્તા નર્સરી:- જુદા જુદા રોપાંઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલી આ એકતા નર્સરી પ્રવાસીઓને અદ્વિતીય અનુભવ કરાવે છે. ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ આ નર્સરીમાં 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. એકતા નર્સરી ‘‘એકતા હેન્ડિકાફ્રટ’’ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ થાય છે. આ જગ્યાએ પ્રવાસીઓ જાતે વસ્તુઓ બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓ સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદી પણ કરી શકે છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના ‘‘સેલ્ફ-હેલ્પ ગ્રુપ’’ થકી 311 કુટુંબોને આર્થિક લાભ મળે છે.

ખલવાણી ઈકો-ટુરિઝમ :- પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું આ એક ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડ છે. જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે. અહીં કાફેટેરીયામાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાઓને રોજગારી મળે છે અને આદિવાસી સ્થાનિક વિસ્તારના વ્યંજનનો સ્વાદ મળે છે. એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રીવર રાફટીંગ ઉપલબ્ધ છે. 4.05 કિ.મી. લંબાઈ અને 9 રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ કરવું યુવાનો માટે રોમાંચક અનુભવ છે.

આરોગ્ય વન :- માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન - સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. અહીંના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ડોકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે. આરોગ્ય વનમાં બેસીને તમે વહેલી સવારે યોગ અને પ્રાણાયામ કરીને એક અનેરો સ્વાસ્થ્યલાભ પણ મેળવી શકો છો, કોઇ તમને રોકશે નહીં.

જેટ્ટીસ અને એકતા ક્રૂઝ :- પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટિંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવ્યો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનીટ સુધી બોટિંગનો આહલાદક આનંદ મેળવી શકે છે. એકતા ક્રૂઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર છે અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે.

ગરૂડેશ્વર વિયર :- સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઈનના સંચાલન માટે હેઠવાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવ્યું છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી 12.10 કિ.મી. નીચેના વિસ્તારમાં આવે છે. ગરૂડેશ્વર વિયરની લંબાઈ 609 મીટરનાં સ્પીલવે સાથે કુલ-1218 મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ 87.20 મીલીયન કયુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં 9 મે.વો. જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.

નવો ગોરા બ્રીજ :- ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો લેવલનો કોઝવે ગરૂડેશ્વર વિયરના કારણે ડુબમાં આવતો હોવાથી નવો ગોરા બ્રીજ બનાવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય ભાગની લંબાઈ 920 મીટર છે અને એપ્રોચીઝની લંબાઈ 1.6 કિ.મી. છે. આ બ્રીજમાં વાહનોની સરળતાથી અવરજવર માટે ચાર લેન કરવામાં આવ્યાં છે. ગોરા બ્રીજ સરદાર સરોવર ડેમથી 6.30 કિ.મી. હેઠવાસમાં છે. આ બ્રીજ કેવડીયાથી રાજપીપળા રસ્તાને જોડે છે. સરકારી વસાહતો :- સરદાર સરોવર નર્મદા નિગમના કર્મચારી-ઈજનેરોને વસવાટ કરવા માટે કુલ-112 ફલેટ બનાવવામાં આવ્યાં છે. જેમાં જુદી જુદી કેટેગરીનો સમાવેશ છે. આ વસાહત બનતાં કર્મચારીઓ અને અધિકારીઓને કેવડીયા ખાતે રહેવા માટે સગવડતા ઉપલબ્ધ થશે.

બસ બે ટર્મિનસ :- પ્રવાસીઓને વિવિધ સ્થળોએથી લેવા અને મુકવા માટે 10 સબ-બસ સ્ટેન્ડ ધરાવતું વિશાળ ટર્મિનસ બનાવવામાં આવ્યું છે. પ્રત્યેક બસ સ્ટેન્ડની સાઈઝ 20 મીટર X 8 મીટર છે. બસ બે સ્ટેન્ડની ક્ષમતા એક જ સમયે 1500 પ્રવાસીઓ માટેની છે, જે માટે 1200 મીટર લંબાઈની સ્ટેનલેસ સ્ટીલ રેલીંગ નાખવામાં આવી છે. અહીં પ્રવાસીઓ માટે 600 જેટલા લોકર પણ ઉપલબ્ધ છે.

હોમ સ્ટે પ્રોજેકટ :- હોમ સ્ટે એટલે કે કોઇકના ઘરમાં ટૂંક સમય માટે ભાડેથી રોકાણ કરવું. શહેરની ભીડભાડ અને વૈભવી વિસ્તારોથી વિપરીત ગામડાંના શાંત અને કુદરતી વાતાવરણમાં આવેલ આ હોમ સ્ટેના મકાનો પ્રવાસીઓના રોકાણ માટે આર્કષણનું કેન્દ્ર બની રહેશે. આ મકાનોમાં સુંદર અને સ્વચ્છ વાતાવરણ તેમ જ નજીવી કિંમતે જમવાનું પણ પ્રવાસીઓને મળી રહેશે. હોમ સ્ટેમાં રોકાનાર પ્રવાસીઓ આદિવાસી સમાજના લોકોના પરિચયમાં આવશે તથા તેમને આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ વિશે જાણવા મળશે. બીજી તરફ જે મકાનોમાં પ્રવાસીઓ રોકાશે તે કુટુંબોને આજીવિકા મળી રહેશે. આ પ્રોજેકટથી શહેરમાં રહેતાં લોકોને ગામડાંનું જીવન માણવાની તક મળે છે. આ હેતુ સાથે “ટ્રાયબલ હોમ સ્ટે પ્રોજેકટ” ગરૂડેશ્વર તાલુકામાં આવેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ આદિવાસી કુંટંબોના સામાજિક અને આર્થિક વિકાસ માટે શરૂ કરવામાં આવ્યો છે.

આદર્શ ગામ : નર્મદા બંધ બન્યો ત્યારે આસપાસના ગામોની જમીન ડૂબમાં ગઇ છે. એ 6 ગામોના અસરગ્રસ્ત કુટુંબોને જરૂરી તમામ સવલતો સાથે વસવાટ કરાવવાની “આદર્શ ગામ” યોજના અંતર્ગત ગોરા ગામ પાસે 400 કુટુંબોને પાકા મકાનો સાથે પ્રાથમિક શાળા, આંગણવાડી ,દવાખાનું,,પશુઓ માટે અવેડો, કોમ્યુનિટી હોલ, બાળકોને રમવા માટે ખાસ જગ્યાઓ વગેરે સવલતો ઉપલબ્ધ થશે.

પારૂલ રાવલનો અહેવાલ, ઈ ટીવી ભારત, અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details