બાર.કાઉન્સિલની ચૂંટણી અટકાવવાના બાર.કાઉન્સિલ ઓફ ઇન્ડિયના નિર્ણય સામે વકીલોમાં રોષ
અમદાવાદ: 21 ડિસેમ્બરે રાજ્યમાં યોજાનાર વિવિધ 252 બાર એશોસીયેસનની ચુંટણીનું જાહેરનામુ થઈ ગયા બાદ હવે એકાએક બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ તેના પર સ્ટે મુકી દીધો છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેઓ નવા નીયમો બનાવી રહ્યા છે અને ત્યારબાદ ચૂંટણી યોજવા જણાવ્યું છે. તો બીજી તરફ રાજ્યના વિવિધ બાર એશોસીયેશન સાથે સંક્ળાયેલા વકીલોમાં આ નિર્ણયને પગલે રોષ જોવા મળી રહ્યો છે.
બાર કાઉન્સીલ ગુજરાતના પુર્વ ચેરમેન જે જે પટેલે જણાવ્યું હતુ કે અમે નવા રુલ્સ બનાવ્યા અને તેની મંજુરી પણ બીસીઆઈ પાસેથી લીધી હતી. તેને મંજુરી પણ બીસીઆઈએ આપી અને ગુજરાત બાર કાઉન્સીલે તેને આધારે જ 21/12ની ચુટણી જાહેર કરી હતી..
સમગ્ર ગુજરાતના તમામ બારમાં ચૂંટણી પ્રક્રીયા પણ શરુ થઈ ગઈ. પ્રચાર શરુ થઈ ગયા માહોલ જામી ગયો અને અચાનક જ બીસીઆઈએ ઈલેક્શન પર મનાઈ ફરમાવી, આ નિર્ણય લેવાયો તે સ્વાભાવીક સ્વીકાર્ય નથી. ઘણા વકીલોએ પોતાના આવા અભીપ્રાયો પણ આપ્યા છે અને તેમની રજુઆત હું કરી રહ્યો છુ. અમે બીસીઆઈના તમામ આદેશોનુ પાલન કરવા તૈયાર છીએ. પરંતુ, નિયમો બનાવીને મોકલી આપે અને હાલમાં ઈલેક્શનને સ્ટે ન કરવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર એસોસિએશન નીયમ 2015 અનુસાર ગુજરાતમાં ધારાશાસ્ત્રીઓના દરેક બાર એસોસિએશનની "વન બાર વન વોટ" હેઠળ 21/12/2019 ના રોજ ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો. જે અનુસાર ગુજરાતના 252 જુદા જુદા બાર એસોસીએશનની તરફથી તાકીદે ચૂંટણી કમિશ્નરની નિંમણૂક કરી બાર એસોસિએશનના સભ્યોની મતદાર યાદી પ્રસિદ્ધ કરાવી અને તે મતદારયાદીમાં કોઇ પણ પ્રકારના વાંધા કે સૂચનો હોય તો તે તમામ દૂર કરીને દરેક એસોસિએશનના ચૂંટણી કમિશ્નરે તારીખ 20/11/2019 સુધી એસોસીએશનની મતદારયાદી બાર કાઉન્સિલને મોકલી આપવા જાહેરાત કરાઈ હતી. ઉપરાંત બાર કાઉન્સિલના આદેશ અનુસાર દરેક બાર એસોસિએશનના ચૂંટણી કમિશ્નરે તારીખ 1 થી તારીખ 10 સુધી ઉમેદવારી ફોર્મની ચકાસણીની કામગીરી પૂરી કરી તારીખ 21/12/2019 ના રોજ આખરી મતદાર યાદી પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરાવી. કોઇપણ એસોસિએશન તરફથી જો બાર કાઉન્સિલે બહાર પાડેલ આદેશ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂરી કરવામાં નહિ આવે અથવા તો બાર કાઉન્સીલને જરૂરી વિગતો સમયસર નહી મોકલી આપે તો તેવા બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયાને લગતી કોઇ પણ ફરિયાદ કે અપીલ બાર એસોસિએશન રૂલ્સ 59 પ્રમાણે બાર કાઉન્સીલની કમિટી હાથ પર લેશે નહિ. તેમજ આવા બાર એસોસિએશન જો કાઉન્સિલના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેવા એસોસિએશનને રદ્દ કરવા સુધીની કાર્યવાહી બાર કાઉન્સિલને કરવાની ફરજ પડશે તેવુ પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યુ હતું.