કિરણ પટેલની વધુ એક ઠગાઈના ગુનામાં ધરપકડ અમદાવાદ :મહાઠગ કિરણ પટેલ સામે સોલા પોલીસ મથકે નોંધાયેલી ઠગાઈની ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્ઝિટ રિમાન્ડથી ફરી કિરણ પટેલની ધરપકડ કરી છે. કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલે મોરબીના વેપારીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું લાયસન્સ અપાવવાની વાત કરી હતી. જેના ખર્ચ પેટે 40 થી 45 લાખ રૂપિયા થશે તેવું જણાવ્યું હતું. તેઓએ 42 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ લાયસન્સ પરત ન આપી માત્ર રુ. 11.75 લાખ જ પરત કર્યા હતા. અન્ય રકમ પરત ન આપીને છેતરપિંડી આચરતા આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
મોરબીના વેપારી : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ મોરબીના ભરત પટેલ નામના વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. તેઓ જોધપર નદી ખાતે સિરામિક મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવી વેપાર કરતા હતા. અગાઉ બીજોટીક લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી મોરબી ખાતે કેમિકલની ફેક્ટરીમાં ભાગીદારી ધરાવીને વેપાર કરતા હતા. હાલમાં તેઓ સ્લીપિંગ પાર્ટનર છે.
શું હતો મામલો ?વર્ષ 2017 માં ભરત પટેલ આરોપી કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે કિરણ પટેલે પોતાની ઓળખ ક્લાસ વન ઓફિસર તરીકે આપી હતી. ઉપરાંત સરકારમાં પોતાનું સારું એવું વર્ચસ્વ હોવાની વિગતો જણાવી હતી. તે સમયે ફરિયાદી ભરત પટેલને બીજોટીક લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની ચાલુ કરવાની હતી. આથી તેના લાયસન્સનું પ્રોસેસિંગ GPCB બોર્ડ ખાતે કરવાનું હોય છે. જેથી લાયસન્સ જલ્દી આવી જાય તે માટે તેઓએ કિરણ પટેલને વાત કરી હતી. કિરણ પટેલે તેઓને સોલા બ્રિજ ખાતે HCG હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યા હતા.
ઠગ દંપતી : વેપારી સોલા ખાતે ગયા ત્યારે કિરણ પટેલ તેમની પત્ની માલીની પટેલ સાથે ત્યાં આવ્યા હતા. બંનેે ભેગા મળી આ અંગે મીટીંગ કરી હતી. જેમાં લાયસન્સની તમામ પ્રોસિજર તેમજ ફી મળીને 40 થી 45 લાખ રૂપિયા આપવા પડશે તેવી વાત કરી હતી. વેપારીને લાયસન્સની જરૂરિયાત હોવાથી તેઓએ કિરણ પટેલ અને તેની પત્નીને ટુકડે ટુકડે 42.86 લાખ રૂપિયા રોકડેથી આપ્યા હતા. કિરણ પટેલે બે મહિનામાં લાયસન્સ લાવી આપવાનું કહ્યું હતું.
અગાઉ 3 ગુનામાં કિરણ પટેલની ધરપકડ કરી તપાસ કરવામાં આવી હતી. સોલામાં નોંધાયેલા ગુનામાં આરોપીએ વેપારીને GPCB નું લાયસન્સ આપવાના નામે 42 લાખ પડાવી લીધા હતા. જેમાંથી માત્ર 11 લાખ પરત કર્યા હતા. જે મામલે સોલા પોલીસમાં અગાઉ ગુનો નોંધાયો હતો. જે કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે હતી. આથી આરોપીને જમ્મુ કાશ્મીર જેલમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડથી કસ્ટડી મેળવી રિમાન્ડ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આરોપી ફરીયાદીને કઈ કઈ જગ્યાઓએ કેટલી વાર મળ્યા અને પૈસાનું શું કર્યું તે તમામ દિશામાં તપાસ હાથ ધરાશે.-- વી.બી આલ (PI, ક્રાઇમ બ્રાન્ચ)
તપાસ કરતા ભાંડો ફૂટ્યો : 8 મહિના સુધી વેપારીને લાયસન્સ ન મળતા અવારનવાર કિરણ પટેલ અને માલિની પટેલને ફોન તેમજ વોટ્સએપ મેસેજ કરતા હતા. ત્યારે કિરણ પટેલ ગાંધીનગર ખાતે કોઈ અધિકારી સાથે બેઠા હોય અથવા તો મિટિંગમાં હોય તેવા બહાના કરતો હતો. આઠ મહિનાથી વધુ સમય લાયસન્સ માટે થઈ જતા ફરિયાદી વેપારીએ ગાંધીનગરમાં જીપીસીબી બોર્ડમાં તપાસ કરી હતી. ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, ખરેખર તેઓની કંપની માટે કિરણ પટેલ અને તેઓની પત્ની દ્વારા કોઈપણ પ્રકારની અરજી કરવામાં આવી નહતી. તેમજ કિરણ પટેલ કોઈ ક્લાસ વન ઓફિસર ન હોવાની હકીકત જાણવા મળી હતી.
લાખો રુપીયાની ઠગાઈ :તેઓને પોતાની સાથે 42.86 લાખ રૂપિયાની રકમ મેળવીને લાયસન્સ અંગેની કોઈપણ કાર્યવાહી ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની હકીકત ધ્યાને આવી હતી. વેપારીએ આપેલા પૈસા પરત માંગ્યા હતા અને પોલીસમાં અરજી કરી હતી. અરજી બાબતે જેતે વખતે કિરણ પટેલે 38.50 લાખ આપવાના છે તેવી કબૂલાત કરતું લખાણ સોલા પોલીસ સ્ટેશનમાં 30 જાન્યુઆરી 2018ના રોજ કર્યું હતું. આ પૈસા આરોપી પરત ન આપે તો તેની નારોલ ખાતેની જમીન વેપારીના નામે કરી આપશે તેવું લખાણ લખી આપ્યું હતું. ત્યારબાદ કિરણ પટેલે ટુકડે ટુકડે 11.75 લાખ રૂપિયા રોકડા પરત આપ્યા હતા.
પોલીસની કાર્યવાહી : જોકે, પછી આરોપીએ બાકીની રકમ પરત ન કરી અને નારોલની જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધી હતી. આ સમગ્ર મામલે કિરણ પટેલ સામે અને માલિની પટેલ સામે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં અગાઉ માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે હવે કિરણ પટેલની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે. ત્યારબાદ આ અંગે પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
- Ahmedabad Crime : કિરણ પટેલને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર અમદાવાદ લાવી ક્રાઈમ બ્રાન્ચ, વધું રિમાન્ડની માગણી થશે
- Kiran Patel Case: અનેક ડીગ્રી ધરાવતો કિરણ પટેલ હવે જાણશે ક્રાઈમ બ્રાન્ચની થર્ડ ડીગ્રી વિશે, જાણો કિરણ પટેલ કઈ રીતે બન્યો મહાઠગ