ગ્રાહક સુરક્ષાના મુદ્દે જો તમને અનુભવ થઈ રહ્યો હોય કે જેટલી તત્પરતા વીમા કંપનીઓ વીમો ઉતરાવી લેવામાં કરે છે તેવી ક્લેઇમ બાદ વળતર ચૂકવવામાં નથી રાખતી તો સાવ નિરાશ થવાની જરુર નથી. ગ્રાહક તરીકે તમને એક સંસ્થાની સલાહ અને સહાયતા ન્યાય મેળવવામાં મદદ કરી શકે છે. આપને આ વિશેષ અહેવાલમાં જણાવી રહ્યાં છીએ કે કેવી રીતે પન્નાબહેન ખમારે પોતાનો હક મેળવવામાં ગ્રાહક સુરક્ષા સમિતિની મદદથી સફળતા મળી.
અમદાવાદઃ વીમા કંપનીની આડોડાઈ સામે 4 લાખનું વળતર જીત્યાં મહિલા દર્દી, સજાગ કરતો કિસ્સો - ઈટીવી ભારત ગુજરાત
અમદાવાદઃ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા કલોલના એક મહિલા ફરિયાદીએ વીમા કંપની સામે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મહિલા દર્દીનો વીમો હોવા છતાં વીમા કંપની દ્વારા સારવારના ખર્ચનું વળતર આપવામાં ન આવતાં ગ્રાહક સુરક્ષા અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જેના મારફતે કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં 2 લાખથી વધુનો દાવો કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદીને પાંચ વર્ષે ન્યાય મળતાં વીમા કંપની આશરે વ્યાજ સાથે હવે 4 લાખ જેટલું વળતર પૂરું પાડશે.
કલોલના પન્નાબહેન હરેશકુમાર ખમારે 3 લાખની વીમા પોલિસી લીધી હતી. આ પોલિસી લેતાં સમયે મહિલા તથા તેના પરિવારને આકસ્મિક કોઈ બીમારી આવશે તો વીમા કંપનીનો સહારો રહેશે તેવી આશા હતી , પરંતુ મહિલાને કદાચ ખબર હતી કે તેઓ બીમાર પડશે અને વીમા કંપની ચૂકવણી કરવામાં વાંધાવચકા કરશે. પન્નાબહેનને તારીખ 17/03/2015એ દાખલ કરવાં પડ્યા હતા, જેમાં મહિલાને મોટા આતંરડાનું કેન્સર થવાથી ઓપરેશન કરવું પડ્યું હતું અને જેનો ખર્ચો આશરે બે લાખ રુપિયાથી વધુ આવ્યો હતો, જેને લઇ શરૂઆતમાં તેઓ નિંશ્ચિંત હતાં. પરંતુ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે વળતર આપવાનો ઇન્કાર કરી દીધો અને જણાવ્યું કે રોગ પહેલાથી હતો પરંતુ કંપનીને જાણ ન કરી હતી. પન્નાબહેન ચિંતામાં મૂકાયાં અને આખરે અમદાવાદના ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મૂકેશ શાહનો સંપર્ક કર્યો અને ત્યારબાર કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો.
ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મૂકેશ શાહે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું કે કન્ઝ્યુમર કોર્ટમાં સૌથી વધુ ફરિયાદ વીમા કંપનીઓ સામે આવે છે. કલોલના પન્નાબહેન સાચા અને યોગ્ય પુરાવા હોવાથી તેમણે કોર્ટમાં લડત આપી અને પાંચ વર્ષે ચૂદાદો પન્નાબહેનના પક્ષમાં આવ્યો જેમાં મહિલાને પાંચ વર્ષના વ્યાજ સાથે હવે આશરે 4 લાખ જેટલી ચુકવણી કરવી પડશે, મુકેશ પરીખે વધુમાં જણાવ્યું કે અન્ય જાગૃત નાગરિક જેમની સાથે કોઈ પણ ફોર્ડ અથવા વીમા કંપનીએ યોગ્ય ચુકવણી ન કરી હોય તો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિનો સંપર્ક કરવા જણાવ્યું હતું.