હવે દરેક સમસ્યામાં મારી સલાહ લેવાય છેઃ મહિલા અમદાવાદઃધર્મ કોઈ પણ હોય હંમેશા મહિલાઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય છે, પરંતુ આવી મુશ્કેલીઓને પણ હાથતાળી આપીને કંઈક કરવાનો જૂસ્સો કેટલીક મહિલાઓમાં જ હોય છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અમદાવાદના સારંગપુરમાં રહેતાં મુસ્લિમ સમાજના એક મહિલાએ. તેમણે પોતાના પરિવાર અને સમાજ સામે લડીને પોતાના બાળકોને ભણાવ્યા. તેના કારણે એક દિકરી રમતગમત ક્ષેત્રે અને બીજી દિકરી દેશની સરહદ પોલીસમાં રહી દેશની સેવા કરી રહી છે. હવે આ મહિલા SEWA સંગઠન જોડાઈને 5,000 જેટલી શ્રમજીવી મહિલાઓને પણ પોતાના પગ પર ઊભા થવાની પ્રેરણા આપી રહ્યાં છે.
આ પણ વાંચોઃInternational Women Day 2023 : તન્વી જોષી સોશિયલ મીડિયા પરથી મેકઅપ સ્કિલ્સ શીખી, હવે ફિલ્મ કલાકારોના કરે છે મેકઅપ
દરેક ક્ષેત્રે મહિલાઓ આગળઃ ગુજરાતીમાં કહેવત છે કે, નારી તું નારાયણીને આજના સમયમાં પુરૂષ કરતાં મહિલા એક પગલું આગળ જોવા મળી રહી છે. દરેક ક્ષેત્રે મહિલા પણ હવે પુરૂષની ખભેખભો મિલાવીને ચાલી રહી છે. આમાં અભ્યાસ, રમતગમત, રાજકારણ કે વૈજ્ઞાનિકની દ્રષ્ટિ હોય તમામ ક્ષેત્રે મહિલા પોતાનું યોગદાન આપી રહી છે. પોતાના પરિવારની સાથે સાથે સમાજમાં પણ ઉપયોગી થઈ રહી છે. તો આવો જાણીએ એક એવાં મહિલા જે સમાજની સામે લડીને આજે સમાજ માટે ઉપયોગી બની રહ્યાં છે.
માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસઃઆ મહિલાનું નામ છે અનિશા શેખ. તેમણે ETV Bharat સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. હું ફક્ત ચાર ધોરણ સુધી ભણી છું. જ્યારે મેં SEWAમાં જોડાવવાનું નક્કી કર્યું. ત્યારે મારા પરિવાર આ માટે ના પાડતા હતા, પરંતુ પરિવારની સામે લડીને હું સેવામાં જોડાઈ હતી. મારા પરિવારમાં આ જ ત્રણ દિકરીઓ અને એક દિકરો છે. હું છેલ્લા 25 વર્ષથી સેવા સાથે જોડાઈ છું અને ઘરકામ કરતી બહેનોને સંગઠનમાં જોડાવાનું કામ કરી રહી છું. હાલમાં 5,000 જેટલી મહિલાઓમાં આ સંગઠનમાં મારા નીચે કામ કરી રહી છે.
મુસ્લિમ સમાજની બહેનો જોડાતી નહતીઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું સેવામાં જોડાઈ ત્યારે દરેક સમાજની બહેનો આ સેવામાં જોડાઈ હતી, પરંતુ મુસ્લિમ સમાજની બહેનો સેવામાં જોડાતી નહતી. કારણ કે, મુસ્લિમ સમાજને બહેનો હંમેશાં પડદામાં જ રહે છે. બહાર નીકળતી નથી. સાથે સાથે દિકરીઓને પણ અભ્યાસ કરવામાં આવતો નથી. તેથી મેં મુસ્લિમ મહિલાઓને સમજાવી હતી અને આ સંગઠનમાં જોડાવાનો પ્રયત્ન કર્યો. ધીમે ધીમે અમારા સમાજને મહિલાઓ પણ આ સંગઠનમાં જોડાઈને સેવાના કામ કરી રહી છે. તેમ જ મહિલાઓને સમજાવતી કે દિકરી આજના સમયમાં ભણશે નહીં તો આગળ કેવી રીતે વધશે.
પરિવાર સામે લડી દિકરીને ભણાવીઃવધુમાં તેમણે ઉંમેર્યું હતું કે, અમારા પરિવારમાં ભણવાં-કપડાં ઉપર નિયમ હતો, પરંતુ હું ઇચ્છતી હતી કે, મેં જે સમય પસાર કર્યો છે. તેવો સમય મારી દિકરી પસાર ન કરે. એટલે મેં મારા પતિ, સાસુ, સસરા સામે લડીને મારી દિકરીને અભ્યાસ કરાવ્યો છે. આ જ મારી દિકરી રમત ક્ષેત્રે અને દેશની સરહદે પણ સેવામાં ફરજ બજાવી રહી છે. જે મારા માટે ખૂબ જ ગૌરવની અને આનંદની લાગણી છે.
એક દિકરી દેશસેવામાંઃતેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું સમાજને પરિવારથી સામે લડીને મહિલાઓ કેવી રીતે આગળ વધી તેના માટે કામ શરૂ કર્યું હતું, જેના કારણે હું વધુને વધુ શીખી શકી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે મેં મારા બાળકોને પણ ભણાવ્યા છે. તેમાં એક દિકરી જુડો ઇન્ટરનેશનલ ગેમ્સ રમી રહી છે. જ્યારે બીજી દીકરી દિલ્હી બોર્ડર પોલીસમાં સેવા આપી રહી છે અને ત્રીજી દિકરી હાલમાં અભ્યાસ કરી રહી છે. જે મારી સાથે સેવાના કાર્યોમાં જોડાય છે.
હવે દરેક સમસ્યામાં મારી સલાહ લેવાયઃપહેલા સમાજના લોકોને પરિવારના લોકો દિકરીને અભ્યાસ કે અન્ય સમાજની મહિલાઓને સેવા કાર્ય માટે જોડાવાનો પ્રયત્ન કરતી હતી. ત્યારે લોકો મને ખૂબ જ હેરાન કરતા હતા, પરંતુ આજે સમય એવો છે કે, સમાજમાં કે મારા પરિવારમાં સારા ખરાબ પ્રસંગે કે કોઈ પણ સમસ્યા ઊભી થાય તો મારી સલાહ લેવામાં આવે છે. આજે મારી પાસે 5,000 જેટલી શ્રમજીવી બહેનો કામ કરી રહી છે. તેમાં પતંગ, અગરબત્તી, કડિયા કામ, દરજીકામ જેવા કામો કરતી બહેનો પણ આ સંગઠનમાં જોડાઈને પોતાના પગભર થઈ પોતાના પરિવારને મદદરૂપ બની રહી છે.
આ પણ વાંચોઃWomen Cricketer Kritika Chaudhary :ખેતરમાં કામ કરનાર દીકરી આજે ગુજરાત સિનિયર રણજી ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન
મુસ્લિમ સમાજની બહેનોએ આગળ આવવું જોઈએઃહાલ તમામ ક્ષેત્રે દરેક સમાજની મહિલાઓ ખૂબ જ આગળ જોવા મળી રહી છે, પરંતુ મુસ્લિમ સમાજને બહેનો હજી પણ ક્યાંકને ક્યાંક પડદા પાછળ જોવા મળી રહી છે. એટલે આજના સમયમાં તે બહેનોને પણ આગળ આવવું જોઈએ. જો એક મહિલા પોતે આગળ આવશે તો પોતાના પરિવાર અને સમાજને પણ આગળ લઈ જઈ શકશે. પોતાના બાળકોની પણ સારા સંસ્કારનું સિંચન થઈ શકે છે. જેથી જેટલી દીકરી પોતાના પગપર ઉભી થાય અને શિક્ષણ પ્રાપ્ત કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.