કોર્સ પૂરો થતાં પહેલાં એજ્યુકેશન લોનની આખી રકમ ચૂકવાય તો વ્યાજ વસૂલી શકાય નહીંઃ કન્સ્યૂમર કૉર્ટ - ગુજરાત
પિતા દ્વારા લેવામાં આવેલી એજ્યુકેશન લોનની રકમ ચૂકવી દીધી હોવા છતાં બેંકે ગીરવી મુકાયેલી સંપત્તિના દસ્તાવેજ પરત કર્યા ન હતા. ત્યારે અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે નોંધ્યું કે એજ્યુકેશન લોનની આખી રકમ ચૂકવી દીધી હોવાથી બેંક વ્યાજ વસૂલી શકે નહી.
અમદાવાદઃ વર્ષ 2011માં પુત્રીના એમબીબીએસ અભ્યાસ માટે પિતા દ્વારા લેવામાં આવેલી એજ્યુકેશન લોનની રકમ ચૂકવી દીધી હોવા છતાં બેંક દ્વારા ગિરવી મુકાયેલી સંપત્તિના દસ્તાવેજ ન આપતા અરજદાર -પિતા દ્વારા અરજી દાખલ કરાતા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે નોંધ્યું હતું કે અરજદારે MBBSનો કોર્સ પૂરો થાય એ પહેલાં જ એજ્યુકેશન લોનની આખી રકમ ચુકવી દીધી હોવાથી બેંક વ્યાજ વસૂલી શકે નહીં. ફોરમે બેંકને લોનની સામે ગીરવી મુકાયેલી સંપત્તિના દસ્તાવેજ અને કોઈ બાકી લેણાં નીકળતા નથી તેવો પ્રમાણપત્ર પણ દસ દિવસમાં આવી દેવાનો હુકમ કર્યો છે.
અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા આપવામાં આવેલા ચૂકાદામાં જણાવવામાં આવ્યું છે કે અરજદાર પિતા અનુપમ ઉચતે દીકરીની ઇન્ટર્નશીપ પુરી થવા પહેલા એજ્યુકેશન લોનની પુરી રકમ ભરી દીધી હોવાથી વ્યાજની ચુકવણી કરશે નહીં. દીકરીના MBBS માટે પિતાએ લીધેલી લૉનની પુરી રકમ 10 લાખ રૂપિયા ઇન્ટર્નશીપ પુરી થાય એ પહેલાં જ ચૂકવી દીધાં છે જ્યારે એજ્યુકેશન લોનના નિયમો પ્રમાણે અભ્યાસ અને ઇન્ટર્નશીપ પુરી થયા બાદ લોનનની ચૂકવણીના હપ્તા શરૂ થાય છે જેથી લોનની રકમ એ પહેલાં જ ચૂકવી દીધી હોવાથી અરજદારને વ્યાજ ચૂકવવાની કોઈ જરૂર નથી.
અરજદાર પિતાએ એજ્યુકેશન લોનના પુરા દસ લાખ રૂપિયા 17મી માર્ચ 2018ના રોજ બેંકને ચુકવી દીધી હતા. જ્યારે લોનના હપ્તા વસૂલવાનું 21મી માર્ચ 2018થી શરૂ થાય છે. જેથી અરજદાર બેન્કને 2.21 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવશે નહીં. ફોરમે અરજદારે લૉન માટે મુકેલા સંપત્તિના દસ્તાવેજ અને કોઈ બાકી લેણાં નથી તેવું પ્રમાણપત્ર 10 દિવસમાં આપવાનો આદેશ કર્યો હતો.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2011 દીકરીના MBBSના કોર્સ માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભૂદરપુરા બ્રાન્ચ પાસેથી એજ્યુકેશન લૉન લીધી હતી. એજ્યુકેશન લોનની ચૂકવણી કોર્સ પૂર્ણ થયા બાદ તેના હપ્તા શરૂ થતાં હોય છે. MBBSનો કોર્સ 5.5 વર્ષનો હોય છે અને તેની એક વર્ષ ફરજિયાત ઇન્ટર્નશીપ એમ કુલ મળીને 6.5 વર્ષનો હોય છે. અરજદાર પિતાએ અભ્યાસ પૂર્ણ થવાની તારીખના 4 દિવસ પહેલાં લોનની મૂળ રકમ 10 લાખ રૂપિયા ચૂકવી દીધાં હતાં. બેંકે અરજદારને વ્યાજ ભરવા નોટિસ પાઠવી હતી અને રકમ પુરી ભરી દીધી હોવા છતાં ગીરવી મુકેલી સંપત્તિના દસ્તાવેજ અને કોઈ બાકી લેણાં નથી તેવો પ્રમાણપત્ર રજૂ ન કરતાં અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અરજી દાખલ કરી હતી.