અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીને લઈને વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. આ ઇમ્પેક્ટ ફીના વટહુંકમને રાજ્યમાં દસ વર્ષ બાદ ફરી જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે તેમાં નિયમ આધીન ગેરકાયદેસર બાંધકામ નિયમિત થઈ શકશે એવો રાજ્ય સરકાર દ્વારા વટહુકમ જારી કરવામાં આવ્યો છે. એ વટહુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે એડવોકેટ જનરલને નોટિસ ઈશ્યુ કરીને જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે.
અરજદારની દલીલ: અરજદાર દ્વારા જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે કાયદાને તોડીને બનાવાયેલા બાંધકામને નિયમિત કરી શકાય નહીં. કાયદો તોડી ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં.
ઇમ્પેક્ટ ફી શું છે?: ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધવાના કારણે મિલકતોની માંગમાં પણ વધારો થતો ગયો છે. રાજ્યમાં ઝડપી શહેરીકરણને કારણે રહેણાંકમાં વિસ્તારના મકાનની માંગના આધારે ગેરકાયદેસર બાંધકામનું પ્રમાણ પણ ઘણું વધતું ગયું હોય છે. ગેરકાયદેસર બનેલી સોસાયટી ,ફ્લેટ સહિતની મિલકતોમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થતા હતા ત્યારે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વટહુકમ લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોગુજરાતમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ થશે, કરોડોની મિલકતો થશે હવે કાયદામાન્ય
ઇમ્પેક્ટ ફીનો નિર્ણય કેમ: ગુજરાત સરકારે વર્ષ 2001 અને વર્ષ 2011માં પણ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા વટહુકમ બહાર પાડ્યો હતો. ગેરકાયદેસર બાંધકામને કારણે મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતિ હોવાના કારણે કાયદા અને વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉભા થતા હતા. આ સમગ્ર કારણોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઇમ્પેક્ટ ફીમાં કોણ અરજી કરી શકે? : ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે આ વટહુકમ લાગુ થયાના ચાર મહિનાની મુદતની અંદર અરજી કરવાની હોય છે. એક કરતાં વધુ માલિક અથવા કબજો ધરાવનાર કિસ્સામાં તમામ માલિક અથવા કબજો ધરાવનાર વ્યક્તિએ સંયુક્ત રીતે અરજી કરવાની હોય છે. એક કરતાં વધુ માલિકી ધરાવતા કિસ્સામાં સત્તા અધિકારી યોગ્ય લાગે તેની તપાસ કર્યા બાદ ખાતરી આપે ત્યારબાદ જ અરજદારોની અરજી કરવા પરવાનગી આપી શકે છે.
આ પણ વાંચોBudget Session 2023: ઈમ્પેક્ટ ફી મુદ્દે સરકાર 4 મહિનાનો સમયગાળો વધારશે, ફરી ગૃહમાં લાવશે બિલ
શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો: અત્રે નોંધનીય છે કે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદના વિધાનસભા સત્રના બીજા જ દિવસે ઇમ્પેક્ટ ફી મામલે સરકાર દ્વારા વટહુકમ લાવવામાં આવ્યો હતો. આ વટહુકમમાં રાજ્યના ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાની વિગતવાર જોગવાઈ કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ વિના વિરોધે પસાર કરાયું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે.
એડવોકેટ જનરલને નોટિસ : મહત્વનું છે કે આ અરજીના પગલે હાઇકોર્ટે અગાઉ રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી અને જવાબ રજૂ કરવા માટે કીધું હતું. ત્યારે હવે આ અરજીની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવતા હાઈકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ ઇસ્યુ કરી છે અને આ સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે. આ સાથે જે પણ પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે તે તમામ લોકોને પોતાનો જવાબ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. આ મામલે વધુ સુનાવણી 16 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.