અમદાવાદ : 22મી મે ના રોજ જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓના કોરોનાથી મોત અને ચાલતી લાલીયાવાડી અંગે સરકારની ઝાટકણી કાઢી યોગ્ય પગલાં લેવા આદેશ કર્યા હતા. જોકે આ આદેશને ટાંકીને કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેની નોંધ લેતા 29મી માર્ચના રોજ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે જણાવ્યું કે તેમણે લોકોના જાહેરહિતની ધ્યાનમાં રાખીને આદેશ આપ્યા હતા. કોર્ટના આદેશને સરકારે ગંભીરતાથી લેતા યોગ્ય પગલાં પણ લીધા છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા 40 વેન્ટિલેટર પણ લાવવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ થકી લોકોના જાહેરહિત માટે સરકારને તેની બંધારણીય ફરજનું ભાન કરાવ્યું હતું. સરકાર સારું કામ કરે તો તેની પ્રશંસા થવી જોઈએ અને જો કામ ન કરે તો કોર્ટ આદેશ આપશે.
ગુજરાત હાઇકોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે કોર્ટ સામાજિક પછાત સહિત તમામ લોકોના જાહેરહિતને ધ્યાનમાં રાખીને જાહેરહિતની અરજી પર સુનાવણી કરે છે. હાઈકોર્ટે કહ્યું કે આ કોઇ રાજનૈતિક કટોકટીનો સમય નથી, પરંતુ આરોગ્ય અને માનવતાવાદી સમસ્યાને લગતી કટોકટીનો સમય છે. સરકારની ઝાટકણી કાઢવાથી કોરોના સામે લડાઈમાં કોઈ ફાયદો થશે નહિ અને મૃતકો પણ પાછા ફરવાના નથી. કેટલાક લોકો કોરોનાને લઈને ઉભી થયેલી સમસ્યાઓ પર રાજકારણ રમી રહ્યા છે તેનાથી કોઈ મદદ થવાની નથી.
કોરોનાની મહામારી સામે સરકારે કાંઈ કર્યું ન હોત તો આપણે અત્યારે જીવતા ન હોત : હાઈકોર્ટ
કોરોના મહામારી અને સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મોતને લઈને દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદ્દે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું હતું કે સરકારની ઝાટકણી કાઢવાથી કોરોના સામેની લડાઈમાં કોઈ ફાયદો થશે નહિં. અત્યારે સરકાર અને વિપક્ષે સાથે મળીને માનવતાને ધ્યાનમાં રાખીને પગલાં લેવા જોઈએ.
કોરોનાની મહામારી સામે સરકારે કાંઈ કર્યું ન હોત તો આપણે અત્યારે જીવતા ન હોત : હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ આપેલા આદેશમાં નોંધ્યું છે કે વિપક્ષની ભૂમિકા સરકારનું ભૂલ અને તેની ફરજનું ભાન કરાવવાનું છે. જોકે આવા સમયમાં વિપક્ષની ભૂમિકા પણ મહત્વની થઈ જાય છે. આ કારણે જુબાની જંગથી કોરોના સામેની લડાઈમાં કઈ થવાનું નથી. કોર્ટના આદેશ પર કોઈએ પણ ટિપ્પણી કરતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. આ કટોકટીના સમયમાં જે લોકોએ કોઈ મદદ કરી નથી તેમને સરકારની ઝાટકણી કાઢવાનો કોઈ અધિકાર નથી. જો સરકાર કોરોનાને લઈને કંઈ કર્યું ન હોત તો આપણે બધા અત્યાર સુધી જીવિત ન રહ્યા હોત.