અરજદાર અનુરાગ પાઠકનો આક્ષેપ છે કે, ગુજરાતી માધ્યમના ફિઝિક્સ અને મેથેમેટિક્સના પેપરમાં છબરડા બદલ તમામ 5 થી 6 હજાર જેટલા ઉમેદવારોને બોનસ ગુણ આપવામાં આવે અને ફરીવાર રિઝલ્ટ જાહેર કરવામાં આવે જેથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના કોમન રેન્ક લિસ્ટમાં (CRL) વધારો જોવા મળી શકે. પરીક્ષાના રિઝલ્ટ બાદ કોમન રેન્ક લિસ્ટ (CRL) તૈયાર કરવામાં આવે છે, જેના આધારે વિદ્યાર્થીઓેને B.TECH અને B.Eની કોમ્પ્યુટર સાયન્સ, મિકેનીકલ સહિતના સ્ટ્રીમ અને કઈ કોલેજમાં પ્રવેશ મળશે તે નક્કી થતું હોય છે.
JEE ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રમાં છબરડા અંગે હાઈકોર્ટે માંગ્યો ખુલાસો - jee Gujarati
અમદાવાદઃ દેશમાં આવેલી વિવિધ NIT અને IITમાં B.TECH અને B.Eના અલગ અલગ સ્ટ્રીમમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA) દ્વારા લેવાતી જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામ(JEE)ના ગુજરાતી માધ્યમના ફિઝિક્સ અને મેથેમેટિક્સના પ્રશ્નપત્રમાં છબરડો હોવાથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાઇ હતી. જેમાં જસ્ટિસ વી. પી. પટેલે કેન્દ્રિય માનવ સંશાધન મંત્રાલય અને નેશનલ ટેંસ્ટીગ એજન્સીને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરવામાં આવશે.
ગુજરાતી માધ્યમના આશરે 5 થી 6 હજાર જેટલા વિદ્યાર્થીઓને ફિઝિક્સનું જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું, તેમાં પ્રશ્ન નં 7 ખોટો હતો અને આવી જ રીતે મેથેમેટિક્સમાં પ્રશ્ન નં 13ના તમામ વિકલ્પ ખોટા હોવાનો દાવો અરજદારે કર્યો છે. આ બંને પ્રશ્ન અંગ્રેજી અને હિન્દી મીડિયમના પ્રશ્નપત્રમાં સાચા અને યોગ્ય હોવાથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને 04 માર્ક બોનસ અને જો એ પ્રશ્નમાં વિકલ્પ પંસદ કર્યું હોય તો એમાં 01 ગુણ આમ કુલ 5 માર્કસ આપવામાં આવે તેવી રજુઆત કરી હતી.
15મી એપ્રિલના રોજ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દરેક વિદ્યાર્થીને મોકલવામાં આવતી પ્રોવિઝનલ આન્સર કીમાં ગુજરાતી માધ્યમના છબરડાવાળા પ્રશ્નો અંગે કોઈ ખુલાસો આપવામાં આવ્યો ન હતો, જેથી અરજદાર દ્વારા ઈ-મેલ દ્વારા પ્રતિવાદીઓને એટલે કે જવાબદાર સંસ્થાઓને જાણ કર્યા હોવા છતાં પગલા ન લેવાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. ગત 9મી એપ્રિલના રોજ સમગ્ર દેશના વિવિધ કેન્દ્રો પર જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામ(JEE) લેવામાં આવી હતી અને ત્યારબાદ 29મી એપ્રિલના રોજ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. JEEની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં લેવામાં આવી હતી.