અગાઉ ગીર સોમનાથ કૉર્ટે ધારાસભ્ય ભગાબારડને દોષી જાહેર કર્યા હતા. બાદમાં તેમને વિધાનસભા સ્પીકર દ્વારા ધારાસભ્ય પદે પણ ગેરલાયક ઠેરવ્યા હતા. જેના કારણે ભગા બારડે વેરાવળ સેશન્સ કૉર્ટમાં અરજી કરી પોતાની સજા પર સ્ટે મુકવાની માંગ કરી હતી. જ્યાં વેરાવળ કૉર્ટ દ્વારા તેમની અરજી નામંજૂર કરવામાં આવી હતી. તેમજ સ્ટે આપવા માટે કારણો દર્શાવ્યા હતા. જેથી ભગા બારડે હાઈકૉર્ટ સમક્ષ રીટ દાખલ કરી આ નિર્ણયને પડકાર્યો હતો.
ધારાસભ્ય ભગા બારડની સજા પર હાઈકૉર્ટેનો સ્ટે - CONGRESS
અમદાવાદઃ તલાલા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને ગીર સોમનાથ મેજિસ્ટ્રેટ કૉર્ટેનો ઝટકા બાદ વિધાનસભા સ્પીકરે ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. ભગા બારડે આ નિર્ણયને કૉર્ટમાં પડકાર્યો હતો. જેમાં આજે હાઈકૉર્ટે નીચલી કૉર્ટના નિર્ણયને ઉલટતા ભગા બારડની સજા પર સ્ટે મૂકી દીધો છે.
બુધવારે આ અંગે હાઈકૉર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઈકૉર્ટે નીચલી અદાલતના નિર્ણયને બદલ્યો હતો. વેરાવળ કૉર્ટે સ્ટે ન આપવા માટે દર્શાવેલા કારણો યોગ્ય ન હોવાનું જણાવી હાઈકૉર્ટે ભગા બારડની સજા પર સ્ટે આપી દીધો છે. જેથી હવે ભગા બારડ આગામી ચૂંટણીમાં ભાગ લઈ શકશે.
બીજીતરફ સરકાર દ્વારા હાઈકૉર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર અપાય તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ભગા બારડને વર્ષ 1995માં 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઈમ સ્ટોન ખનન કેસમાં મેજિસ્ટ્રેટ કૉર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા સંભળાવી હતી. જેની પર સ્ટે મુકવા માટે વેરાવળ કૉર્ટે ઈન્કાર કર્યો હતો. જેની વિરૂદ્ધમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી.