- સ્થાનિક સ્વરાજ ચૂંટણીના જંગમાં બળવાખોરી
- ભાજપ અને કોંગ્રેસ બન્નેને આંખે પાણી લાવે તેવી ઘટનાઓ બની
- પરિણામોમાં કંઇક નવાજૂની થવાના એંધાણ
અમદાવાદ : ચૂંટણી આવે ત્યારે ટિકિટનું કમઠાણ સામાન્ય વાત છે, પણ તે ચૂંટણીના પરિણામ સુધી અસર કરે છે, જેથી તેને વધુ ગંભીર મુદ્દો ગણાય છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. 6 મહાનગરપાલિકામાં ભાજપમાં એવરેજ દરેક વૉર્ડ દીઠ 45 લોકો ટિકિટ માટે દાવેદારી કરી હતી, જ્યારે કોંગ્રેસમાં તો રીતસર હોબાળો જ થયો હતો. ટિકિટનો મેન્ડેટ નહીં મળતાં કોગ્રેસ ભવન પર દેખાવો અને બળવો થઈ ગયો. આ પણ પાછો જેવો તેવો નહીં, રીતસરના પ્રદેશ નેતાગીરીએ પલાયન કરી જવું પડ્યું એવી માત્રામાં આ બધું થયું. હજુ પણ કોંગ્રેસ નેતાગીરી જુદાં જુદાં ફાર્મ હાઉસોમાં પોતાના પક્ષના જ કાર્યકરોની નજર બચાવીને બેઠકો કરી રહી છે. NSUIના કાર્યકર્તાઓએ તો ફાર્મ હાઉસ પર પહોંચીને પણ હંગામો મચાવ્યો હતો, જેને લઇને નેતાએને અહીં તહીં ભાગતાં ફરવાનો વારો આવી ગયો છે.
ઇમરાન ખેડાવાલાએ નેતાઓનું નાક દબાવ્યું
કોંગ્રેસમાં ટિકિટના કમઠાણે તો એવી ભારે કરી કે MLA બનીને ગુજરાત વિધાનસભામાં બિરાજમાન થયેલાં ઇમરાન ખેડાવાલાએ રાજીનામું સુદ્ધા આપી દીધું હતું! બહેરામપુરા વૉર્ડમાં કોંગ્રેસની નેતાગીરીએ કદાચ કંઇક વિચારીને 6 ઉમેદવારને મેન્ડેટ પકડાવ્યાં હતાં, પણ ઇમરાન ખેડાવાલા પોતાના ઉમેદવારોને લઇને એવા રોષે ભરાયાં કે નેતાગીરી સામે રીતસર ખુલ્લંખુલ્લા આવી ગયાં હતા. ગાંધીનગરથી દૂર પ્રાંતીયા ગામના એક ફાર્મ હાઉસમાંથી જ તેમને રાજીનામું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પાઠવી પણ દીધું. જોકે, તેમનું આ પગલું ખરેખર રાજીનામું આપવાના ધ્યેય સાથે તો હતું નહીં એટલે તેમને નિયમાનુસાર વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું ન હતું આપ્યું. અલબત્ત દિલ્હીથી દોડાવાયેલાં તામ્રધ્વજ સાહુએ મામલો શાંતિથી સાંભળ્યો અને ખેડાવાલાને મનાવી લીધાં તો છેવટે તેમને રાજીનામું પરત લઇ લીધું છે.
કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત લેતાં ભાજપને પહેલો વિજેતા મળ્યો
અમદાવાદ મહાનગરપાલિકામાં ત્રણ ટર્મથી ભાજપે સત્તા સંભાળી છે. ત્યારે અમુક વૉર્ડમાં સ્થિતિ એવી છે કે, કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે ઝૂકાવવા ઉમેદવાર જ રસ બતાવતાં નથી. નારણપુરા વૉર્ડ એવો જ એક વૉર્ડ છે, જ્યાં કોંગ્રેસનો ગજ વાગે એવો નથી. અહીં કોંગ્રેસના ચંદ્રિકા રાવલે મંગળવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ સાથે જ ભાજપના બ્રિન્દા સુરતી અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીના મતદાન અને પરિણામ પહેલાં જ જીતી ગયેલાં ઉમેદવાર બની ગયાં છે. તેમને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવાયાં છે. મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે તો એવો આક્ષેપ પણ કર્યો કે, નેતાગીરીએ રૂપિયા 20 લાખમાં ઇન્ડિયા કોલોની વૉર્ડની ટિકિટનો સોદો કર્યો છે. સોનલ પટેલનો બળવો એટલા માટે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે કે, તેમને આ ઉપરાંત પ્રદેશ નેતાઓની છાપ વિશે ગંભીર આક્ષેપો પણ કર્યાં છે. જેને લઇને સોનલ પટેલની કોંગ્રેસ પક્ષમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
ખુદ દીપક બાબરીયાએ પણ નોંધ લેવી પડી
તો ચૂંટણી નિરીક્ષક નીમાયેલાં દીપક બાબરીયાએ પણ જે નિવેદન કરતો પત્ર લખ્યો તે પણ ચૂંટણીના માહોલમાં પ્રદેશ નેતાગીરી સામેના બળવારુપે જોઇ શકાય છે. તેમને પ્રદેશ નેતાઓ, ધારાસભ્યોના દબાણને લીધે રાતોરાત તેમને નક્કી કરેલી ઉમેદવારોની પેનલો બદલાઈ ગઈ હોવાનો અફસોસ વ્યકત કરતાં જણાવ્યું છે કે, તેમને આ બાબતે દિલ્હી હાઈકમાન્ડને જાણ કરશે.
ભાજપ પ્રમુખે પહેલાંથી બળવાખોરી ડામવા કર્યો હતો પ્લાન
કોંગ્રેસ કરતાં વધુ શિસ્તબદ્ધ પક્ષ હોવાની છાપ ધરાવતા ભાજપમાં પણ અસંતોષની ચિનગારીઓ તો ઉડી જ છે અને ક્યાંકને ક્યાંક ભડકો પણ થયો છે. જોકે, ટિકટવાંચ્છુઓના અસંતોષના મામલા સામે આવશે જ તેવી પૂર્વધારણા સાથે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પાણી પહેલાં પાળ બાંધી દીધી હતી. તેમને બાકાયદા ચૂંટણીમાં લડવા ઇચ્છતાં ઉમેદવારો માટે પક્ષે નિયમો બનાવ્યાં છે, તેવી જાણ કરી દીધી હતી. બાજુમાં એક અલગ તખ્તો પણ રચાયો હતો કે, પક્ષનો શિસ્તબદ્ધ કાર્યકર કેવો હોય, સોનલ મોદી જેવો હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી હોવા છતાં પક્ષે તેમને સગાંવાદ ન ચલાવતાં ટિકિટ આપી નથી, તેવું અન્ય બધાં ઉમેદવારોને સાનમાં સમજાવી દેવા માટે ઉદાહરણ પ્રસ્તુત કરી દીધું. પક્ષે બનાવેલા નિયમ સૌએ પાળવાનો છે, તેવો સંદેશ આ ઉદાહરણ દ્વારા એવો સજ્જડપણે ગયો કે જે લોકો મોં ખોલવાની તૈયારીઓમાં હતાં તેમને માંડી વાળવું પડ્યું હતું. ઉમેદવારી માટે નિયમો બનાવ્યાં છે, તેને અનુસરવા પાટીલે કાર્યકરોને અપીલ કરી છે, પરંતુ મૌનમાં સમેટાઈ ગયેલો અસંતોષ અવ્યક્ત રહ્યો છે, બૂઝાયો નથી. બગાવત કરનારા કેટલાય કાર્યકરો ચૂંટણીમાં નિષ્ક્રિય બનશે એ નક્કી છે.