ગુજરાત

gujarat

ETV Bharat / state

Hatkeshwar Bridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મુદ્દે કૉંગ્રેસ આકરા પાણીએ, પોલીસે વિરોધ પ્રદર્શનકર્તાઓની અટકાયત કરી

અમદાવાદના પૂર્વ વિસ્તાર હાટકેશ્વરમાં બનાવાયેલા બ્રિજનો વિવાદ વધતો જ જાય છે. રૂ.40 કરોડના ખર્ચે બનેલ હાટકેશ્વર બ્રિજની હાલત માત્ર 3 જ વર્ષમાં બિસ્માર થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને તોડીને નવો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજને હજુ સુધી તોડવામાં ન આવતા અમરાવાડી વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા બ્રિજની નીચે જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસે કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.

હાટકેશ્વર બ્રિજ મુદ્દે કૉંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન
હાટકેશ્વર બ્રિજ મુદ્દે કૉંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 1:48 PM IST

હાટકેશ્વર ઓવરબ્રિજને તાત્કાલિક તોડવાની માંગણી કરાઈ

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક સમસ્યાથી છુટકારો મેળવવા અનેક જંકશન પર અન્ડરબ્રિજ તેમજ ઓવરબ્રિજ એએમસી દ્વારા તૈયાર કરવામાં આવે છે. જોકે આ બ્રિજમાંથી અનેક બ્રિજમાં થયેલા કૌભાંડો મુદ્દે અવારનવાર વિવાદ થતા રહે છે. હાટકેશ્વર વિસ્તારનો ઓવરબ્રિજ આ બાબતનું મુખ્ય ઉદાહરણ છે. આ ઓવરબ્રિજની હાલત બન્યાના 3 જ વર્ષમાં બિસ્માર થઈ ગઈ હતી. તેથી એએમસી દ્વારા આ બ્રિજને તોડીને નવો બનાવવાનો નિર્ણય કરાયો છે.

નિર્ણય છતાં પરિણામ શૂન્યઃ હાટકેશ્વર બ્રિજને એએમસીએ તોડવાનો નિર્ણય કર્યો છે. છતાં પણ હજુ સુધી આ બિસ્માર બ્રિજને તોડવામાં આવ્યો નથી. પરિણામે અહીંથી પસાર થતા મુસાફરો અને સ્થાનિકોને બહુ હાલાકી ભોગવવી પડી રહી છે. તેથી અમરાઈવાડી વિધાનસભા કૉંગ્રેસ સમિતિ દ્વારા હાટકેશ્વર બ્રિજ મુદ્દે ભાજપનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનઃકૉંગ્રેસ સમિતિના કાર્યકારો અને હોદ્દેદારોએ આ બ્રિજ મુદ્દે ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. હાટકેશ્વર ઓવર બ્રિજ ભાજપનું મોટું કૌભાંડ છે. આ બ્રિજને તાત્કાલિક તોડવામાં આવે કારણ કે અહીંયાથી પસાર થતા મુસાફરો અને નાગરિકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. અગાઉ પણ સ્થાનિક કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પણ બ્રિજને સત્વરે તોડવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. અમરાઈવાડી વિધાનસભા કૉંગ્રેસ સમિતિના કાર્યકરો સવારના 10થી રાત્રિના 10 કલાક સુધીના ઉપવાસ પર ઉતર્યા હતા. તેમણે ભાજપ અને મેયર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા.

હાટકેશ્વર બ્રિજને એએમસીએ તોડવાનો નિર્ણય કર્યો છે. છતાં પણ હજુ સુધી આ બિસ્માર બ્રિજને તોડવામાં આવ્યો નથી. પરિણામે અહીંથી પસાર થતા મુસાફરો અને સ્થાનિકોને બહુ હાલાકી ભોગવવી પડી રહી છે. એએમસીના ઈતિહાસમાં આ સૌથી મોટું બ્રિજ કૌભાંડ હોઈ શકે છે. ભાજપના ભ્રષ્ટાચારનું શ્રેષ્ઠ મોડલ છે આ હાટકેશ્વર ઓવરબ્રિજ. જગદીશ રાઠોડ (કોંગ્રેસ કાઉન્સિલર)

પોલીસે કરી અટકાયતઃ કૉંગ્રેસ દ્વારા હાટકેશ્વર ઓવરબ્રિજ મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ થતાના ગણતરીના કલાકોમાં પોલીસ આવી પહોંચી હતી. પોલીસે વિરોધ આંદોલન વિખેરી નાખવા માટે કૉંગ્રેસ આગેવાનો, કાર્યકર્તાઓ અને પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. પોલીસે કૉંગ્રેસીઓની ટીંગાટોળી કરીને પોલીસવાનમાં બેસાડ્યા હતા. મહિલા પોલીસે સ્થળ પર પહોંચીને સૂત્રોચ્ચાર કરતી કૉંગ્રેસની મહિલા કાર્યકર્તાઓેની અટકાયત કરી હતી.

કૉંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ

બ્રિજ નિર્માણમાં અનેક ખામીઓઃ ઉલ્લેખનીય છે કે હાટકેશ્વર બ્રિજના કૌભાંડ મુદ્દે કન્સ્ટ્રકશન કંપની ઉપર અનેક સવાલો થયા હતા. જેની તપાસ કર્યા બાદ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા પણ સાત જેટલા આરોપીની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. બ્રીજનો મુદ્દો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ અનેકવાર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. એએમસીના ઈતિહાસમાં આ સૌથી મોટું બ્રિજ કૌભાંડ હોઈ શકે છે કારણ કે આ બ્રિજના નિર્માણમાં ખૂબ જ હલકી ગુણવત્તાના માલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  1. Hatkeshwar Bridge Case : હાટકેશ્વર બ્રિજ કાંડમાં સામેલ AMC ટેક્નીકલ સુપરવાઈઝરની ધરપકડ
  2. Ahmedabad Crime : હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં એસજીએસ કંપનીના બ્રાન્ચ હેડ નીલમ પટેલની ધરપકડ, અત્યાર સુધી 7 લોકોની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details