ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarati Language Issue : ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભાષાની ઉપેક્ષાના કયા કારણો છે, જાણો શું કહે છે શિક્ષણવિદ?

ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભાષાની ઉપેક્ષાના કયા કારણો છે તે મુદ્દે સરકારથી લઇ ગુજરાત હાઇકોર્ટ અને શિક્ષણક્ષેત્રના માંધાતાઓ વિચાર કરી રહ્યાં છે. ગ્લોબલાઇઝેશનની અસર, માતૃભાષા પદ્ધતિસર શીખવા તરફ ઉદાસીન વલણ છે કે પછી સ્પષ્ટ દિશાનિર્દેશનો અભાવ કારણરુપ છે? જાણીએ શિક્ષણવિદ પાસેથી.

Gujarati Language Issue : ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભાષાની ઉપેક્ષાના કયા કારણો છે, જાણો શું કહે છે શિક્ષણવિદ?
Gujarati Language Issue : ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભાષાની ઉપેક્ષાના કયા કારણો છે, જાણો શું કહે છે શિક્ષણવિદ?

By

Published : Feb 11, 2023, 9:53 PM IST

આજકાલ બધું જ શિક્ષણ ઓનલાઇન અને કોમ્પ્યુટર ઉપર આવી ગયું છે

અમદાવાદ : રાજ્યમાં ગુજરાતી ભાષાને પ્રાથમિક શાળાઓમાં ભણાવવામાં નથી આવતી તે પ્રશ્ન સતત ચાલી રહ્યો છે. ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તેમજ શાળામાં પણ બાળકો પોતાની માતૃભાષામાં શિક્ષણ લે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. દરેક શાળામાં બાળક પોતાની માતૃભાષામાં શિક્ષણ લે એ અનિવાર્ય હોય છે. પરંતુ તેમ છતાં પણ આજકાલ શાળાઓમાં ગુજરાતી ભાષાનો વ્યાપ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતી માધ્યમની શાળાઓનો પ્રમાણ ઓછું : શહેરોની મોટી મોટી સ્કૂલોની દ્રષ્ટિએ જોઇએ તો પણ ગુજરાતી માધ્યમની શાળાઓનો પ્રમાણ ઓછું થઈ રહ્યું છે અને અંગ્રેજી માધ્યમનું પ્રમાણ વધી રહ્યું છે. શા માટે શાળાઓમાં ગુજરાતી ભાષાનું સ્તર નીચું જઈ રહ્યું છે તેમજ એવા ક્યાં કારણો છે કે જેનાથી શાળાઓમાં ગુજરાતી ભાષાની ફોર્મ્યુલા લાગુ નથી પડી રહી. ત્યારે આવો જાણીએ કે શું છે એવા ખાસ કારણો કે જેનાથી ગુજરાતી ભાષાનું સ્તર ઘટતું જઈ રહ્યું છે.

શિક્ષણવિદે શું કહ્યું : ગુજરાતી ભાષાના અભ્યાસ બાબતે શિક્ષણવિદ સંજય રાવલે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા માતૃભાષા તરીકે ફરજિયાત પણે ભણાવવામાં તો આવે જ છે. એવા ખાસ કારણોમાં જોવા જઈએ તો આજકાલ બધું જ શિક્ષણ ઓનલાઇન અને કોમ્પ્યુટર ઉપર આવી ગયું છે જેના કારણે બધા જ બાળકો કોમ્પ્યુટર ઉપર અભ્યાસ કરતા થઈ ગયા છે. જેમાં કમ્પ્યુટરમાં સૌથી વધારે અંગ્રેજી ભાષા ઉપયોગમાં લેવાતી હોવાથી બાળકો હવે બોલચાલમાં પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો 1.18 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં 'ઢ', સરકારી શાળામાં ગુજરાતી ન ભણાવાતું હોવાની વાત સરકારે HCમાં કબૂલી

પોતાની ભાષા હોવાથી બાળકો ઓછું ધ્યાન આપે છે :આમાં સૌથી બીજો મહત્વનો ભાગ એ ભજવે છે કે ,બાળકોને ગુજરાતી ભાષા પોતાની લાગતી હોય છે. જન્મથી લઈને ઘરમાં બોલચાલમાં અને સમાજમાં પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોવાથી બાળકોને આ ભાષા સહેલી લાગે છે. તેથી આ વિષયમાં આપણે સહેલાઈથી પાસ થઈ જઈશું. એવી એક માનસિકતાના કારણે પણ ગુજરાતી ભાષા ઉપર બાળકો ઓછું ધ્યાન દેતા હોય છે.

વિદેશ જવાનું પ્રમાણ વધતાં અંગ્રેજીનું મહત્ત્વ વધ્યું : આજે દુનિયા ઘણી બધી આગળ વધી રહી છે જેમાં લોકો વિદેશ ભણવા વધારે જઈ રહ્યા છે. જેમાં કમ્પ્યુટરનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે તે માટે થઈને શાળાઓ પણ બીજા ભાષા ઉપર વધારે ધ્યાન આપતી હોય છે અને બાળકો પણ પોતાની માતૃભાષા છોડીને બીજી ભાષાઓ શીખવાનું પ્રયત્ન કરતા હોય છે.

અન્ય માધ્યમની શાળાઓમાં ઓછું મહત્ત્વ :ટીવી અને મોબાઈલના કારણે બાળકનું વાંચન ઘટી ગયું છે. ટીવી અને સીરીયલોમાં તેમજ ફિલ્મોમાં પણ અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે. આ ઉપરાંત હિન્દી માધ્યમની સ્કૂલોમાં પણ ગુજરાતી ભાષાને ઓછું મહત્વ આપવામાં આવે છે. આ બધા કારણોને લીધે બાળકો પણ માતૃભાષા પ્રત્યે ઓછા આકર્ષિત થાય છે.

આ પણ વાંચો Gujarat High Court: શાળાઓને ગુજરાતી ભાષા ભણાવવામાં કેમ જોર આવે છે, HC લાલઘૂમ

સ્કૂલોમાં શિક્ષણનું માળખું જ બદલાઈ ગયું છે :આજકાલ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. સ્કૂલોમાં પણ વીડિયોના માધ્યમથી કે પછી ઓનલાઈન શિક્ષણના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. આજકાલ જે અંગ્રેજી ભાષાનો ટ્રેન્ડ વધી રહ્યો છે તેમાં સ્કૂલો પણ પોતાને પરિણામ લાવવા માટે થઈને સૌથી આગળ રહે એવી નીતિઓના કારણે માતૃભાષાની ફોર્મ્યુલા સ્કૂલોમાં લાગુ નથી પડી રહી. મેરીટ લાવવા માટે અને પર્સન્ટેજ લાવવા માટે સ્કૂલોમાં શિક્ષણનું માળખું જ બદલાઈ ગયું છે.

ગુજરાતી ભાષાની જાગૃતતા માટે શું કરવું જોઈએ? : સમાજમાં ગુજરાતી ભાષાના જે સાહિત્યકાર છે તેમની પણ ફરજ બને છે કે ગુજરાતી ભાષાનું મહત્વ લોકોને સમજાવે. સ્કૂલો પણ તેમનું મહત્વ સમજે અને ગુજરાતી ભાષા પર ભાર આપે. આપણી ગુજરાતી ભાષાનું સાહિત્ય ખૂબ જ રસપ્રદ રહ્યું છે. એ સાહિત્યને સ્કૂલોમાં પણ ભણાવવું જોઈએ અને લોકોની વચ્ચે પણ રાખવું જોઈએ. માતૃભાષાને લગતા વર્કશોપ પણ કરવા જોઈએ. પરંતુ આ બધી વસ્તુનો અભાવ જોવા મળતા ગુજરાતી ભાષાનો મહત્વ ધીમે ધીમે ઓછો થઈ રહ્યું છે. આ બધી બાબતોને આવરી લેવામાં આવશે સ્કૂલોની નીતિ પણ બદલાશે અને ગુજરાતી ભાષાનું મહત્વ પણ વધશે.

હાઇકોર્ટે સરકારને આકરા સવાલ પણ કર્યા હતાં : મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવામાં નથી આવતી એવી એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીને લઈને હાઇકોર્ટે સરકારને આકરા સવાલ પણ કર્યા હતાં. તેમ જ શા માટે શાળાઓમાં ગુજરાતી ભાષા નથી ભણાવવામાં આવી રહી તેવા પ્રશ્ન પણ કરવામાં આવ્યા હતાં. રાજ્યમાં એવી કેટલી શાળાઓ છે જે ગુજરાતી ભાષા નથી ભણાવતી તેઓ જવાબ પણ હાઇકોર્ટ દ્વારા માગવામાં આવ્યો હતો.

ડોક્ટર્સના કોર્સ પણ ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે :અત્રે નોંધનીય છે કે જોકે હવે સરકાર પણ ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. તેમજ નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો એન્જિનિયરિંગ અને ડોક્ટર્સના કોર્સ પણ ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આટલા બધા પ્રયત્નો છતાં પણ એ વાત તો સંપૂર્ણપણે સત્ય છે કે ગુજરાતમાં માતૃભાષાનું સ્તર ઓછું થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details