અમદાવાદઃમોંઘવારીનો આર્થિક માર છતાં અમદાવાદ સહિત ચારેય મહાનગરમાં ઉત્તરાયણની આગલી રાત્રે લોકો પતંગ, ફીરકી, ટોપી તથા ચશ્માની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. અમદાવાદ શહેરના કોટ વિસ્તાર ગણાતા નારણપુરા, પાલડી, ધરણીધર તેમજ સેટેલાઈટમાં લોકોએ મોડી રાત સુધી ખરીદી કરી હતી. જુદી જુદી વેરાઈટી ધરાવતા પતંગની લોકોએ ખરીદી કરી હતી. આ વખતે અમદાવાદ શહેરમાં વિદેશથી આવતા મહેમાનો-એનઆરઆઈની સંખ્યામાં વધારો થતા કિન્ના બાંધેલી પતંગની માંગ સૌથી વધારે રહી હતી. અમદાવાદના વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે બે વર્ષ બાદ ઉત્તરાયણનો ઉત્સાહ જોવા મળે છે. પણ પતંગ, ફિરકી, ગોગલ્સ તથા ટોપી સહિતની વસ્તુઓમાં 25 ટકાનો સીધો ભાવ વધારો છે.
આ પણ વાંચોઃ Makar Sankranti 2023 : ઉત્તરાયણ એટલે શું, જાણો તેનો અર્થ અને ધાર્મિક મહત્વ
માર્કેટમાં ભીડઃઅમદાવાદના રાયપુર, કાલુપુર, ઘીકાંટા સહિતના પતંગ બજારમાં મોડીરાત સુધી ભીડ જોવા મળી હતી. માર્કેટમાં પગ મૂકવાની જગ્યા ન હતી. કિન્ના બાંધેલા પતંગ પૂરા થઈ જતા લોકોએ સાદા પતંગની ખરીદી કરી હતી. પતંગપ્રેમીઓ ગ્રૂપમાં પતંગની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. એક જ પેટન્ટના પતંગની ખરીદી વધારો જોવા મળી હતી. એક જ પ્રકારના પતંગની ખરીદીનો ક્રેઝ વધું જોવા મળ્યો છે. પતંગની સાથે ટોપીની માંગ બીજા ક્રમે રહી હતી. રૂપિયા 80થી લઈને 400 રૂપિયા સુધીની ટોપી એક જ રાતમાં વેચાઈ હતી. બીજી તરફ રાજકોટમાં પતંગપર્વની પૂર્વ સંધ્યાએ માર્કેટમાં લોકો બોર, શેરડી, તલ, ચિક્કી, લાડું, મમરા, જીંજરા જેવી ખાદ્ય વસ્તુઓ લેવા માટે નીકળ્યા હતા. જેના કારણે મુખ્ય માર્કેટમાં ભારેભીડ જોવા મળી હતી. આ વખતે જીંજરા (લીલા ચણા)ની ખૂબ આવક થઈ હોવાથી સારી એવી ઘરાકી જોવા મળી હતી.
સોમનાથમાં ઘસારોઃમકરસંક્રાંતિનું પર્વ આ વખતે શનિવાર-રવિવાની રજામાં આવ્યું છે. શનિવારે સંક્રાંત અને રવિવારની રજા હોવાથી ઘણા એવા ફરવાના શોખીન શુક્રવાર સાંજથી જ નીકળ્યા પડ્યા હતા. પોતાનું વાહન લઈને જનારા પરિવાર-મિત્રોની સંખ્યા વધારે જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તીર્થસ્થાનો પર આગલા દિવસથી જ ભીડ શરૂ થઈ ગઈ હતી. સોમનાથમાં સંક્રાંતિ નિમિતે ગૌપૂજા, તલઅભિષેક તથા વિશેષ શૃંગારના દર્શન થશે. સોમનાથની ગૌશાળામાં 160થી વધારે ગીરની ગાય છે. ગૌભક્તો માટે ગાય દત્તક લેવા માટેની પણ વ્યવસ્થા છે. જ્યારે આ દિવસે ગાયનું પૂજન કરવા માટે પણ મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. રજાના બે દિવસ હોવાથી ભક્તો સોમનાથ, ભાલકાતીર્થ, રામ મંદિર, ચોપાટી, ત્રિવેણી સંગમ જેવી જગ્યાઓ પર ઉમટ્યા છે.