અમદાવાદ : 15 વર્ષની દીકરીને શોધવા હાઈકોર્ટમાં માતાપિતાએ કરેલી હેબિયસ કોર્પસ (Habeas Corpus Case in Ahmedabad) પાછી ખેંચાતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. દીકરીએ લગ્ન કરી લેતાં રિટ પાછી ખેંચવા દાદ માગી હતી. આ સાથે જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે ટકોર કરી હતી કે, દીકરીએ ભલે લગ્ન કરી લીધા હોય પણ તે જ્યારે ગુમ થઇ ત્યારે સગીરા હોવાથી તેને ભગાડી જનાર સામે ગુનો મટી જતો નથી. દીકરી અત્યારે ભલે પુખ્ત વયની છે. પરંતુ જ્યારે ભાગી ગઈ ત્યારે તેની ઉંમર લગ્ન કરવાને લાયક ન હતી. આપણે એવો સમાજ નથી બનાવવો.
"તમારે દીકરીની જરૂર પણ અમારે ગુનેગારની જરૂર છે"
ખંડપીઠે પોલીસ તપાસ પાછી ખેંચવાનો ઇનકાર કરીને એવી ટકોર કરી હતી કે, તમારે દીકરીની જરૂર ન હોય તો કંઈ નહી અમારે ગુનેગારની જરૂર છે. પોલીસ તેની કાર્યવાહી કરશે, અમદાવાદમાં રહેતી 15 વર્ષની દીકરી 3 વર્ષ પહેલા ગુમ (Kidnapping Case in Ahmedabad) થઈ હતી. તેને શોધવા માતાપિતાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. ત્રણ વર્ષ પછી અચાનક માતા પિતાના ઘર બહાર દીકરીએ લગ્ન કરી લીધા હતા. દીકરીના લગ્નના સમાચાર જાણીને માતા પિતાની હાઈકોર્ટમાંથી હેબિયર્સ કોપર્સ પાછી ખેંચવા માંગ કરી હતી.