અમદાવાદ : ગુજરાત સરકારે તાજેતરમાં 2023-24 માટે રજૂ કરેલા બજેટ અંગે વિરોધ જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં પ્રવર્તમાન સરકાર દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં વાસ્તવિકતાને છુપાવી ગુજરાત સરકારે ચાર મહત્વના દસ્તાવેજો રજૂ જ ના કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ચાર દસ્તાવેજોમાં મધ્યમ ગાળા માટેના ખર્ચના માળખાનું પત્રક કે જે અંદાજપત્રના ભાગ તરીકે રજૂ થતું હતું.
કેટલાક મુદ્દાઓની છેદ ઉડાડી :જેમાં યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચ પ્રથા 2017-18થી બંધ થઈ, ત્યારથી મધ્યમ ગાળા માટેના ખર્ચના માળખાનુ અંદાજપત્ર રજૂ કરવાની શરૂઆત થઈ હતી. તેમાં માધ્યમ ગાળાના સંભવિત ખર્ચ આયોજન માટે આગામી વર્ષના મહેસૂલી અને મૂડી ખર્ચના લક્ષ્યાંકો રજૂ કરવામાં આવતા હતા. જે આ બજેટમાં જાહેર કરવામાં આવ્યા નથી, આ સિવાય વિકાસ કાર્યક્રમ, મહિલા બજેટ, પરિણામલક્ષી અંદાજપત્ર જેવા મુદ્દાઓની છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.
શું આક્ષેપ કરવામાં આવ્યા : એચ.કે આર્ટસ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય ડો.હેમંત શાહ આ બાબતે જણાવ્યું કે, બજેટ જ્યારે રજૂ થાય ત્યારે બજેટમાં તમામ બાબતોનો સમાવેશ થવો જોઈએ. અત્યાર સુધીની પ્રણાલી પણ એ જ ચાલતી હતી, પણ આ પહેલું એવું વર્ષ છે, જ્યાં મહત્વના બજેટ પબ્લિકેશનોની બાદબાકી કરવામાં આવી છે. બજેટમાં ચાર એવા મેઈન ડોક્યુમેન્ટ એવા છે. જેના કારણે સુપરવિઝન કરી શકે એમ છે. એ ચાર મહત્વના બજેટ પબ્લિકેશન રજૂ કર્યા નથી. આ ચાર મુદ્દાઓનું સાથે મળીને એનાલીસિસ કરવામાં આવે તો માનસિકતાની ખ્યાલ આવે. સરકારની આ માનસિકતા છુપાવવા માટે આ ચાર બજેટના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા નથી, તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.