અમદાવાદ:દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલીને દેશની સુરક્ષાને નુકસાન પહોંચાડવા મામલે ગુજરાત ATSએ કાર્યવાહી કરી કચ્છમાંથી બીએસએફમાં નોકરી કરતા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું કે તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેણે તે યુવતીને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પહોંચાડી હતી અને જેના બદલામાં તેને ટુકડે ટુકડે પૈસા પણ મોકલવામાં આવ્યા હતા.
ચોંકાવનારા ખુલાસાઓ:હનીટ્રેપની ઘટના: ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કામ કરતા કર્મચારીને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી ગુપ્ત માહિતીઓ મેળવીને દેશની સુરક્ષાને જોખમમાં મુકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે ભુજ ખાતેના બીએસએફ હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી કરતો નિલેશ વાલજીભાઈ બળીયા બીએસએફની માહિતીઓ જે દેશની સુરક્ષા અને સલામતી માટે અગત્યની હોય તે માહિતી વ્હોટ્સએપના માધ્યમથી પાકિસ્તાનના એજન્ટને મોકલે છે, જે બાતમીના આધારે પોલીસે આ સમગ્ર મામલે યુવકની અટકાયત કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.
'એટીએસને મળેલી માહિતીના આધારે કચ્છમાંથી યુવકની ધરપકડ કરી તેનો મોબાઇલ એફએસએલમાં મોકલી પ્રાથમિક તપાસ કરતા તેના પાકિસ્તાનની એજન્ટ સાથેના સંપર્કો મળી આવ્યા છે. તેણે અત્યાર સુધીમાં કયા પ્રકારની માહિતીઓ પાકિસ્તાની એજન્ટને મોકલી છે. તેને 28,800 રૂપિયા મળ્યા છે. તે કઈ કઈ જગ્યાએથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યા છે? આરોપીને મળેલા પૈસા દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ મોકલવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા આ કેસમાં પાકિસ્તાની એજન્ટ સાથે ભારતના કોઈ લોકો સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.'-સુનિલ જોશી, SP, ગુજરાત ATS
પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં:આ મામલે ગુજરાત એટીએસની ટીમે ટેકનિકલ તપાસ કરી નિલેશ બળીયાની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે છેલ્લા પાંચ વર્ષથી બીએસએફ બટાલિયન 59 ના હેડક્વાર્ટસ ભુજ ખાતે CPWD વિભાગની ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. જાન્યુઆરી 2023 માં વ્હોટ્સએપના માધ્યમથી અદિતિ તિવારી નામ ધરાવતી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે મિત્રતા કાર્ડ થતા પોતે બીએસએફની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું યુવતીને જણાવ્યું હતું.