ગુજરાતમાં દિવાળી નિમિતે GSRTC દ્વારા દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા બસ સેવામાં કુલ 5.63 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે બેસતા વર્ષના દિવસમાં રેકોર્ડ તોડ 74,368 ઓન-લાઈન બુકિંગ થકી એક દિવસમાં 1.53 કરોડ રૂપિયાની આવક થઇ હોવાનું સામે આવ્યું છે. GSRTCએ એક દિવસમાં રેકોર્ડ બુકિંગ કર્યું હતું. જે સમગ્ર દેશના એસ.ટી.માં સૌથી વધુ છે. ST દ્વારા છ દિવસોમાં દોડાવવામાં આવેલી બસોમાં કુલ 3.86 લાખ લોકોએ મુસાફરી કરી હતી.
દિવાળીના તહેવારોમાં GSRTCની આવકમાં અધધ 20 ટકાનો વધારો નિગમ દ્વારા ચાલુ વર્ષ 2019માં સામાન્ય સંચાલન ઉપરાંત એક સંચાલન કરી ગત વર્ષની તુલનામાં તહેવારોના દિવસો દરમિયાન 33.15 કરોડની સામે 39.84 કરોડની આવક મેળવી હતી. જેમાં 6.69 કરોડની આવકના વધારા સાથે 20 ટકાનો વધારો પણ જોવા મળ્યો હતો.
દિવાળીના પર્વ દરમિયાન ST વિભાગને સૌથી વધુ આવક સુરત, વલસાડ, નડિયાદ સહિત દક્ષિણ ગુજરાતથી થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત ડિપોથી 1.63 કરોડ, વલસાડ ડિપો 1.65 કરોડ, નડિયાદ ડિપો 46 લાખ અને અમદાવાદ ડિપોથી 35 લાખની આવક થઈ હતી. સુરત અને વલસાડના લોકોએ સૌથી વધારે મુસાફરોએ GSRTCનો ઉપયોગ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે તહેવારો સમયે જ લોકોને ST બસ સેવાનો લાભ લેવા પ્રોત્સાહનના ભાગરૂપે દર વર્ષે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોઈ જ પ્રકારનું ડિસ્કાઉન્ટ ભાવ આપવાની જાહેરાત કરી ન હતી. સામાન્ય દિવસોના ભાડામાં જ લોકોએ મુસાફરી કરી હતી.
સામાન્ય રીતે મજુર અને રોજગારી માટે બહારથી આવેલા લોકો STનો ઉપયોગ કરતા હોય છે. GSRTC દ્વારા આવા વિસ્તારોમાં જઈને યોગ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પરિણામમાં ફેરફાર જોવા મળ્યો હતો.