અમદાવાદઃ થોડા સમય પહેલાં જ અમદાવાદ આસપાસના વિસ્તારની નગરપાલિકાઓનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદની ક્ષિતિજો તો વિકસી જ રહી છે, પરંતુ તેની વસ્તીમાં પણ વધારો થઇ રહ્યો છે. પરિણામે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓની વાત કરીએ તો, આશ્રમ રોડ, બાપુનગર, એસ.જી. હાઈવે, સી.જી. રોડ અને હાટકેશ્વર ઉપર ટ્રાફિક વધુ રહેતો હોય છે. જેને કારણે અવ્યવસ્થા સર્જાય છે. પરિણામે આ માર્ગોના મોટા ચાર રસ્તા ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. જેથી નાગરિકો સરળતાથી અવર-જવર કરી શકે.
અમદાવાદ શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ગત બે વર્ષમાં પાંચ મોટા ફ્લાયઓવર બન્યા છે. જેમાં ઈન્કમટેક્સ, બાપુનગર, અંજલી ચાર રસ્તા, રાણીપ અને હાટકેશ્વરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ ઓવરબ્રીજ બની ગયા છે અને તેની પર વાહન વ્યવહાર પણ ચાલુ થઇ ગયો છે. તેનું ઉદ્ઘાટન વર્તમાન ગૃહ પ્રધાન અમીત શાહ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજનું લોકાર્પણ થયું હોવા છતાં તેનું નામકરણ કરવાનું બાકી હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મુખ્ય પ્રધાનનું માર્ગદર્શન મેળવીને આ પાંચ બ્રીજના નામ નક્કી કર્યા છે.
અંજલી ચાર રસ્તા પરના ઓવરબ્રિજને ભાજપના દિવંગત કદાવર નેતા સુષ્મા સ્વરાજ ઓવરબ્રિજનું નામ આપવામાં આવ્યુ છે. જ્યારે ઈન્કમટેક્સ પરના ઓવરબ્રિજને સ્વર્ગસ્થ અરુણ જેટલી ફ્લાયઓવર નામ આપવામાં આવ્યું છે. વર્ષોથી અમદાવાદના રાણીપ વિસ્તારના નાગરિકો રેલવે ફાટકના કારણે અવર-જવારમાં અગવડતા અનુભવતા હતા. ચોમાસામાં અહીં ખૂબ ટ્રાફિક જામ થતો. ત્યારે તેમની માગણીને ધ્યાનમાં રાખીને રાણીપ રેલવે ઓવરબ્રિજ બનાવાયો હતો. જેનું લોકાર્પણ 2018માં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા થયું હતું. આ રેલવે ઓવરબ્રિજને 'આત્મનિર્ભર ગુજરાત' નામ આપવામાં આવ્યું છે. બાપુનગર પાસે આવેલી દિનેશ ચેમ્બર જનક્ષણના ઓવરબ્રિજને મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ નામ આપવામાં આવ્યું છે. જ્યારે હાટકેશ્વર ઓવરબ્રિજને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવામાં આવ્યું છે.