કોરોનાના ડરે અમદાવાદીઓ મૃતકના અંતિમ સંસ્કાર કરવા ગાંધીનગર તરફ વળ્યાં
કોરોના વાયરસથી અમદાવાદમાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. પરિણામે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે નાગરિકો ફફડી રહ્યાં છે. આ વાયરસ અમદાવાદીઓને એટલા હલાવી નાખ્યાં છે કે, સંક્રમિત વ્યક્તિ મૃત્યુ પામે તો તેના અગ્નિસંસ્કાર હવે અમદાવાદના અંતિમ ધામમાં નહીં, પરંતુ ગાંધીનગરના મુક્તિધામમાં કરવા માટે દોટ મૂકી રહ્યાં છે. ગાંધીનગર શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલા મુક્તિધામમાં છેલ્લા એક મહિનામાં અમદાવાદથી આવેલા આશરે 10 જેટલા મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયાં છે.
ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બેકાબૂ બની છે. રાજ્યમાં સરેરાશ રોજ 30 લોકો મૃત્યુ પામે છે. જેમાંથી 25 મોત માત્ર અમદાવાદ શહેરમાં થાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવારને અભાવે અનેક લોકો મોતને ભેટ્યાં છે, તેવો પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે. તેની સાથે જ સુવિધાના નામે મીંડુ જોવા મળે છે. ત્યારે અમદાવાદના નાગરિકો સારવાર માટે પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પસંદ કરી રહ્યાં છે. હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના દર્દીઓની સાથે અમદાવાદના અનેક દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે, તેનું એકમાત્ર કારણ ગાંધીનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધા છે.