- ETV BHARAT દ્વારા રાજકીય તજજ્ઞ અજય ઉમટ સાથે ચર્ચા
- દિલ્હી મોડલ પર શું છે તેમનો અભિપ્રાય?
- પરિણામો જ નક્કી કરે છે ક્યું મોડલ સફળ નીવડશે
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર દરેક રાજકીય પાર્ટી દ્વારા જોરશોરમાં થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી મોડલને ગુજરાતમાં લાવવાના ચૂંટણી લક્ષી વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. દરેક પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવી રહ્યા છે, તેવા સમયમાં ગુજરાતમાં હાલ પક્ષોના વિકાસ મોડેલ, દિલ્હી મોડલ અને અલગ અલગ મોડલના કાર્યો દ્વારા જનતાને મત આપવા માટે આકર્ષવાની સ્પર્ધા ચાલી રહી છે.
ETV BHARAT દ્વારા રાજકીય તજજ્ઞ અજય ઉમટ સાથે ચર્ચા ચૂંટણીના સમયમાં દરેક ભારતીયને 15 લાખ આપવાની વાત થઈ હતી
આ વિષય પર ETV Bharat દ્વારા જાણીતા રાજકીય તજજ્ઞ અજય ઉમટ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અજય ઉમટે જણાવ્યું હતું કે, દરેક પક્ષો ચૂંટણી સમય પર અલગ અલગ પ્રકારના વાયદાઓ કરીને મત મેળવવા માટે પ્રજાને આકર્ષવાનો પ્રયત્ન કરતા હોય છે. કોઈ પાર્ટી દેશની સૌથી જુની રાજકીય અને ગરીબોના મસીહાનો દાવો કરે છે, તો કોઈ વિકાસની વાત કરતા હોય છે, તો કોઈ મફત શિક્ષણ, મફત દવા અને મફત વીજળીની વાતો કરીને ચૂંટણી સમયે પ્રજા પાસે જાય છે, પરંતુ આ લોકશાહીના તહેવારમાં દરેક મોડલ ચાલતા નથી, મફત શિક્ષણ અને મફત ઘર સાથે જ વિકાસ અને ક્યારેક ચૂંટણીના સમયમાં દરેક ભારતીયોને 15 લાખ પણ આપવાની વાત થઈ હતી. દરેક ચૂંટણી ઢંઢેરામાં આ પ્રકારના મોડલની વાત કરવામાં આવતી હોય છે અને પ્રજા વચ્ચે દરેક પક્ષના નેતાઓ જતા હોય છે. ત્યારે ચૂંટણીના પરિણામો જ નક્કી કરે છે કે, કયા મોડલને સફળતા મળી છે અને તે જ હવે આગળના 5 વર્ષ સુધી જોવા મળશે.
પ્રજા જ નક્કી કરે છે કે, કયો પક્ષ અને કયા નેતા તેમના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે
રાજકીય તજજ્ઞ અજય ઊમટે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં જે રાજકીય પાર્ટીઓ દ્વારા વાયદાઓ કરવામાં આવે છે અને ચૂંટણી બાદ જે વાયદાઓ નિભાવે છે, તે પણ તેમને આપણાં જ ટેક્સના પૈસામાંથી પૂરા કરે છે. કોઈ રાજકીય પાર્ટી પોતાના ફંડમાંથી નથી આપતા. આપણાં દેશમાં વેલ્ફેર ખર્ચમાં આમ પણ મફત દવા અને મફત શિક્ષણએ જરૂરિયાત છે, તે આપવી જ જોઈએ. જો સરકાર આ પ્રકારના વાયદા પૂરા કરે તો તે મોટી ઉપલબ્ધી ગણી શકાય નહીં. આ પ્રકારના વિકાસ અને મોડલની વાતો ફક્ત ચૂંટણી લક્ષી હોવી જોઈએ નહીં, પરંતુ હાલમાં ચૂંટણી સમયે જ આ પ્રકારના વાયદાઓ કરવામાં આવે છે. આ દરેક પક્ષ દ્વારા જે મોડલ અને વિકાસની વાતો કરવામાં આવે છે. ત્યારે આ કિસ્સામાં તેમને જનતાને જ સૌથી વધુ બુદ્ધિશાળી માને છે. પ્રજા જ નક્કી કરે છે કે, કયો પક્ષ અને કયા નેતા તેમના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે.