અમદાવાદ શહેરના અંજલી બ્રિજ પર મુંબઈના વેપારી પાસેથી 65 લાખના સોનાની લૂંટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ હોમગાર્ડ જવાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ઝડપાયેલા પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળીએ અન્ય આરોપીઓ અહેમદ પઠાણ અને ઇકબાલ શેખ સાથે મળી સમગ્ર લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દાણી લીમડાના કાશીરામ વિસ્તારમાંથી પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળી, અહેમદ પઠાણ અને શાહરુખ શેખની ધરપકડ કરી લૂંટમાં સોનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં વિગત એવી હતી કે, મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી ગત ગુરુવારે સોનું લઈને બસમાં અમદાવાદ આવતા હતા. નારોલ શાસ્ત્રી બ્રિજ પાસે બસ રોકી પોલીસે તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા નવીનભાઈ પાસે મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. જેના પુરાવા પણ પોલીસને આપ્યા હતા. તેમ છતાં પોલીસે નવીનભાઈના સમાનની ચકસાણી કરી હતી. જે દરમિયાન ત્યાં હાજર પૂર્વ હોમગાર્ડ ઘનશ્યામની નજર પડી હતી અને તેને તેના સાથીઓ સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો.