વર્ષ 2004માં ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે આરોપી પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા અને એન.કે. અમીન દ્વારા તેમની વિરૂદ્ધ કેસ ડ્રોપની માંગ કરતી અરજી સામે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ગુરૂવારે CBI કોર્ટના જજ જે .કે. પંડ્યાએ પૂર્વ IPS અધિકારી એન.કે અમીન અને ડી.જી. વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી હોવાની વિગતો સામે આવી છે.
CBI કોર્ટના જજ જે.કે પંડ્યાએ 15 હજાર રૂપિયા બોન્ડ પર વણઝારા અને એન.કે. અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે. CBI કોર્ટે નોંધ્યું કે, 2004માં જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે રાષ્ટ્રના હીત માટે હતું અને જે કરવામાં આવ્યું એ તેમની ફરજની ભાગરૂપે કરવામાં આવ્યું હતું. કોર્ટના ચુકાદા બાદ વણઝારા અને તેમના સમર્થકોએ ફૂલ ઉડાડી ઉજવણી કરી હતી.
અગાઉ ઇશરતની માતા શમીમાં કૌસર દ્વારા કરવામાં આવેલી વાંધા અરજી પર વકીલ વૃંદા ગ્રોવરે દલીલ કરી હતી કે, સીઆરપીસીની કલમ 197 મુજબ પરવાનગી ન આપી રાજ્ય સરકાર આરોપીઓને છાવરી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સીઆરપીસીની કલમ 197 અને ડિસ્ચાર્જ અરજીને કોઈ સંબંધ નથી. આ કેસમાંથી ડિસ્ચાર્જ મેળવવા માટે આરોપીઓને નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. આ મામલે સપ્લીમેન્ટરી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી.