અમદાવાદ: ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે રેલવે મારફતે એક દંપતિ ચરસનો મોટો જથ્થો લાવી બાઇક પર પોતાના ઘર તરફ જવાના છે. જેથી પોલીસે એક ટીમ બનાવી રેલવે સ્ટેશનના આઉટ ગેટ પર વોચ ગોઠવી હતી. પોલીસ પાસે આ આરોપીઓના ફોટોગ્રાફ્સ પણ હતાં અને જેવું દંપતિ રેલવે સ્ટેશનની બહાર આવ્યું કે તરત જ તેઓને ત્યાં રોક્યાં હતાં. દંપતિ પાસેથી 5950 ગ્રામ ચરસ લાડુુના રૂપમાં મળી આવ્યું હતું.
અમદાવાદ પોલીસે ચરસ સાથે એક દંપતિની કરી ધરપકડ - અમદાવાદ પોલિસ
અમદાવાદ ક્રાઇમબ્રાંચે 29.75 લાખના 5950 ગ્રામ ચરસ સાથે એક દંપતિની ધરપકડ કરી છે. આરોપીઓ પોલીસ પકડે નહીં તે માટે નાની બાળકીને સાથે રાખીને ખેપ મારતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે તપાસ કરતાં આરોપી રશીદખાન પઠાણ અને તેની પત્ની શહેનાઝબાનુ પઠાણ આ 29 લાખનો ચરસનો જથ્થો રેલવે મારફતે અન્ય રાજ્યમાંથી લાવી વટવા તેમના ઘરે જવાના હતા. દરયિમાનમાં તેઓ બાઇક પર નીકળતા જ હતાં કે પોલિસે ઝડપી પાડ્યાં હતાં.
પોલીસને આ દંપતિ પાસેથી એક નાની બાળકી પણ મળી આવી હતી. જેથી તે બાબતે પૂછપરછ કરતા પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેઓ પકડાઇ ન જાય તે માટે બાળકીને સાથે રાખતાં હતાં. હાલ તો આ ચરસનો જથ્થો કોની પાસેથી કેટલા રૂપિયામાં લાવી, કોને કેટલા રૂપિયામાં વેચવાનાં હતાં અને અગાઉ કેટલી વાર આ રીતે ખેપ મારી ચૂક્યાં છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.