અમદાવાદ:વિશ્વભરમાં કોરોના વાઈરસથી હાહાકાર મચી રહ્યો છે ત્યારે ભારતમાં પણ ધીરેધીરે પોઝિટીવ કેસોની સંખ્યા વધતાં ગુજરાત હાઈકોર્ટ હવે તાત્કાલિક કેસોની જ સુનાવણી કરશે. 19મી માર્ચથી 31મી માર્ચ સુધીના 13 દિવસના સમયગાળા દરમિયાન કોર્ટને લાગશે તેવા જ તાત્કાલિક કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસના નવા આદેશ પ્રમાણે 19મી માર્ચથી કોઈપણ પ્રકારના કેસોનું કોઝલિસ્ટ મૂકવામાં આવશે નહી અને જો વકીલોને તાત્કાલિક કેસની સુનાવણીની જરૂર જણાય તો આ અંગેની નોટ (લેખિત માહિતી) કોર્ટને આપવાની રહેશે ત્યારબાદ જો જજને લાગશે તો તેના પર તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરવામાં આવશે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસના આદેશ બાદ રજીસ્ટ્રી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઈરસ વધુ ન ફેલાય તે માટે હાઈકોર્ટમાં 15 દિવસના સમયગાળા માટે માત્ર મહત્વપૂર્ણ અથવા અર્જન્ટ કેસોની જ સુનાવણી હાથ ધરાશે. કોઈપણ પક્ષના વકીલ કે પાર્ટી ઈન પર્સન હાજર ન રહે તો કોર્ટ દ્વારા ઓર્ડર નહીં લખાવવામાં આવે. વચગાળાના આદેશની તારીખ પૂરી થતી હોય તેવા કિસ્સામાં રાહતને બે સપ્તાહ સુધી વધારવામાં આવશે અને આ અંગેની સ્લીપ કોર્ટ માસ્ટર પાસેથી મળી શકશે.