અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 2400 ને પાર પહોંચ્યો - અમદાવાદ કોરોનાના સમાચાર
અમદાવાદ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં સોમવારે સાંજ સુધીમાં નવા 30 કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો કુલ આંકડો વધીને 2404 થયો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના કુલ કેસ 500નો આંક વટાવી ચુક્યા છે. અમદાવાદ ગ્રામ્યના આંકડામાં અમદાવાદ શહેરના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
અમદાવાદ : જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં 555 અને 513 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય દસ્ક્રોઈ તાલુકામાં 351 કેસ નોંધાઈ ચુક્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના કેસ હાલ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં 58 લોકોના કોરોનાને લીધે મોત નિપજ્યા છે.
બાવળામાં પણ 291 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધુ છે જ્યારે શહેરથી થોડે દૂર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ કોરોના પોઝિટિવનો આંકડો ઓછું છે.
અમદાવાદ ગ્રામ્યમાં 99 હજાર જેટલા લોકોનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી સ્થિતિ ન બગડે એના માટે 87 હજાર ઘરોનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે.