અમદાવાદ:ગુજરાતી સૌથી મોટી મહાનગરપાલિકા તરીકે અમદાવાદની ઓળખવામાં આવે છે ત્યારે અઢી વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક વિકાસના કામોની મંજૂરી તો આપવામાં આવી હતી. પરંતુ અનેક એવા પણ કામ હતા જે વિવાદાસ્પદ રહ્યા હતા. રોડ પ્રોજેક્ટ, બ્રિજ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટમાં વિવાદ જોવા મળ્યો હતો. ત્યારે આ નિષ્ફળતાને લઈને સત્તા પક્ષની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ કોંગ્રેસ દ્વારા શહેરના મેયર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી આવેદન આપ્યું હતું.
'ભારતીય જનતા પાર્ટીના અઢી વર્ષની પહેલી ટર્મ શનિવારના રોજ પૂર્ણ થઈ રહી છે. આ શાસન અમદાવાદ શહેરની જનતા માટે કાળું સાબિત થયું છે. જનતાને ટેક્સના નામે લુંટવામાં આવી છે. ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. કોરોના જેવા કપરા સમયમાં પણ અમદાવાદ શહેરના લોકોને વેન્ટિલેટર માટે ભટકવું પડ્યું હતું. અમદાવાદ શહેરમાં તૈયાર થતા બ્રિજ પણ ગણતરીના વર્ષોની અંદર તૂટી જાય છે. આનાથી મોટું કૌભાંડ રાજ્યના કોઈ શહેરમાં જોવા મળતું નથી.'- શહેઝાદ ખાન પઠાણ, વિપક્ષ નેતા
હાટકેશ્વર બ્રિજ કૌભાંડ: AMC દ્વારા હાટકેશ્વર બ્રિજ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું કામ 2015થી 2017 સુધી ચાલુ હતું અને ત્યારબાદ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે સાત વર્ષની અંદર જ આ બ્રિજને પાંચ વખત રીપેર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારબાદ સામે આવ્યું હતું કે આ બ્રિજની અંદર તમામ પ્રકારનું મટીરીયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું છે. જેને લઈને અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય એક પ્રાઇવેટ કંપની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આઠ જેટલા એન્જિનિયર સામે તપાસ હાથ ધરવામાં આવી છે.