અમદાવાદઃ દેશમાં કોરોના મહામારીની સૌથી ભયંકર અસર મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાને લઇને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર પર કોરોના ફેલાવવાને લઇને ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અમદાવાદમાં યોજાયેલા ''નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને લઇને રાજ્ય સરકારને આડે હાથ લીધી છે.
અમિત ચાવડાનો સરકાર પર વાર, નમસ્તે ટ્રમ્પને લઈ કર્યા પ્રહાર - નમસ્તે ટ્રમ્પ ન્યૂઝ
દેશમાં કોરોના મહામારીની સૌથી ભયંકર અસર મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાને લઇને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર પર કોરોના ફેલાવવાને લઇને ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં કોરોનાથી વણસી રહેલી પરિસ્થિતિને લઇને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે રાજ્ય સરકાર પર નિશાન તાકતા ગંભીર આક્ષેપ લગાવ્યાં છે. જેમાં અમિત ચાવડાએ અમદાવાદમાં યોજાયેલા 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમથી કોરોના ફેલાવવાની શરૂઆત થઇ હોવાના આક્ષેપ લગાવ્યાં છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. અમિત ચાવડાએ કહ્યું કે, 'નમસ્તે ટ્રમ્પ' ના કાર્યક્રમને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે. આ કાર્યક્રમને લઇને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન સામે તપાસ થાય તેવી માંગણી કરવામાં આવશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ ભારત સરકારને જાણ હતી કે, આ રોગ કેટલો ગંભીર છે તેમ છતાં કેમ સાવચેતીના પગલા લેવામાં આવ્યાં નહીં. અમિત ચાવડાએ જણાવ્યું કે, WHO એ પહેલાથી જ કહ્યું હતું કે, માનવથી માનવ રોગ ફેલાઇ રહ્યો છે. તેમ છતાં સરકારે ગંભીરતાને અવગણીને રાજકીય લાભને વશ થઇ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ યોજ્યો. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમથી WHOની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરાયું છે. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાહિત બેદરકારી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને કોરોનાને લઇને આડેહાથ લીધી હતી. જેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, જો સરકારે યોગ્ય સમયે એરપોર્ટ બંધ કર્યા હોત તો રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવી શકાયો હોત. હાલ કોરોનાની સ્થિતિ સરકારના નિયંત્રણની બહાર છે. ગુજરાત સરકાર કોરોના સામે લડવામાં નિષ્ફળ રહી છે. આ સાથે બિન ગુજરાતીઓની સ્થિતિ ગુજરાતમાં દયનીય બની છે. શ્રમિકો 100 કિમી પગપાળા જઇ રહ્યાં છે, વૈશ્વિક મહામારી વચ્ચે શ્રમિકો નિરાધાર બન્યાં છે. સરકાર કોરોનાને લઇને પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે, ભારત ભગવાનના ભરોસે છે. રાજ્યના મુખ્યપ્રધાન કોરોના સાથે જીવવાની સલાહ આપે છે, સરકાર સાચી વાતોને છુપાવી રહી છે.