આ ચુકાદામાં ઠરાવ્યું છે કે,‘જો કોઇ હાઉસિંગ સોસાયટીના સભ્યને લાગે કે સોસાયટી ના નીતિ-નિયમોનો કોઇ પણ રીતે ભંગ થઇ રહ્યો છે, અથવા તો સભ્યના બંધારણીય કે કાયદાકીય હકોનો ઉલ્લંઘન કરાઇ રહ્યો છે તો તે યોગ્ય ઓથોરિટી સમક્ષ તેને પડકારી શકે છે. પરંતુ જો તે સભ્ય નીતિ-નિયમો કે કાયદાનો ભંગ કરે તો તેને અવગણી શકાય નહીં.’
કોર્પોરેટીવ સોસાયટીમાં કમર્શિયલ બાંધકામ ગેરકાયદેસરઃ હાઇકોર્ટ - high court news
અમદાવાદઃ શું એક રહેણાંક કોર્પોરેટીવ સોસાયટીનો સભ્ય જે તે જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે કરી શકે કે, કેમ એવો પ્રશ્ન ઉભો કરતી એક પિટિશનમાં જસ્ટિસ પારડીવાલાએ સુરત ખાતેની એક રહેણાંક સોસાયટીમાં ચાર્ટર્ડ એકાઉન્ટેડના વ્યવસાયી પંકજ કરનાવત દ્વારા કમર્શિયલ બાંધકામ ગેરકાયદેસર ઠેરવી સમગ્ર ઇમારત ચાર સપ્તાહમાં તોડી પાડવાનો હાઇકોર્ટે હુકમ કર્યો છે. જો જવાબદાર વ્યક્તિ દ્વારા ઇમારત ન તોડવામાં આવે તો સુરત મ્યુ.કોર્પોરેશને બાંધકામ તોડી પાડવાનું રહેશે.
સુરતની માધવનગર કો-ઓપ. હાઉસિંગ સોસાયટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિટ કરવામાં આવી હતી. જેમાં બંગલો નંબર 40 પર પંકજ કરનાવત નામની વ્યક્તિએ કોમર્શિયલ બિલ્ડિંગ બાંધી હોવાથી તેને અટકાવવાની માગ કરી હતી. સોસાયટીનો આ બંગલો નિરંજનાબહેન પટેલે પંકજ કરનાવતને વેચ્યો હતો. આ ખરીદ વેચાણ અંગેના તમામ કાયદેસરના વ્યવહારો થયા હતા અને સોસાયટીએ ટ્રાન્સફર ફી લઇ સભ્ય ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ પંકજ કરનાવતે બંગલો તોડી લો રાઇઝ બંગલો બનાવવાની મંજૂરી સોસાયટી જોડે માગી હતી.
આ માગ માન્ય રાખી સોસાયટીએ તેને NOC આપી હતી. પરંતુ પંકજ કરનાવતે બંગલો બાંધવાના બદલે કોમર્શિયલ યુઝ માટેની મોટી ઇમારત બાંધી કાઢી હતી. આ અંગે સોસાયટીએ વાંધો પણ ઉઠાવ્યો હતો, પરંતુ તેણે બાંધકામ ચાલુ રાખ્યું હતું. તેથી મામલો લવાદમાં પહોંચ્યો હતો. પરંતુ તેમાં બાંધકામ રોકવાથી ઇન્કાર કરવામાં આવ્યો હતો. સોસાયટી કોર્પોરેશન સમક્ષ પહોંચી હતી અને બાંધકામ ગેરકાયદે હોવાની રજૂઆત કરી હતી. કોર્પોરેશન દ્વારા સોસાયટીના માન્ય NOC વિગર બાંધકામ માટેની મંજૂરી આપી દીધી હોવાથી તેને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટે બાંધકામ તોડી પાડવાનો હુકમ કર્યો છે.