અમદાવાદ:ભારતે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2:35 કલાકે LVM3 -M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ચંદ્રયાન-3 લોન્ચિંગ અંગે વૈજ્ઞાનિકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને હવે ચંદ્રયાન-3 અંગેની તમામ પ્રક્રિયાઓ અંગે માહિતગાર કર્યા હતા.
બાળકોને અપાઈ માહિતી:અમદાવાદમાં અલગ અલગ શાળામાં અભ્યાસ કરતા બાળકોને સાયન્સ સીટી ખાતે ઓડિટોરિયમમાં ચંદ્રયાન-1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 ત્રણે પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ અંગે વાત કરતા શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજે અમે ચંદ્રયાન વિશે વિગતવાર માહિતી મેળવી છે અને અમે ખૂબ જ રોમાંચિત છીએ. આ સમગ્ર પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર થયો અને તેનાથી તેવા ફાયદા થશે તે તમામ બાબતો અંગે અમને માહિતગાર કરવામાં આવ્યા છે.