માંડલમાં ભાજપે યોજી તાલુકા-જિલ્લા સ્થાનિક ચૂંટણીઓને લઇને બેઠક - ભાજપ બેઠક
માંડલ રામપુરા રોડ પર આવેલ મેઘમણી સ્કૂલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમા માંડલ તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
•મેઘમણી સ્કૂલમાં સ્થાનિક ચૂંટણીઓ અંતર્ગત બેઠક યોજાઇ
•તાલુકાની 16 અને જિલ્લાની 2 બેઠકો પર કોંગ્રેસનો સફાયો શંકરભાઈ ચૌધરીનો હુંકાર
•તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તે જરૂરી છે
માંડલઃ આ બેઠકમાં શંકર ચૌધરી તથા સાંસદ રમીલાબેન બારા તાલુકા ઇન્ચાર્જ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી ઉપપ્રમુખ અને જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ શૈલેષભાઈ દાવડા,મહામંત્રી નવદીપભાઈ ડોડીયા,મહામંત્રી મયૂરભાઈ ડાભી,પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા,પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ,જિલ્લા બક્ષી પંચ મોરચાના મહેશભાઈ ચાવડા,માંડલ ભાજપ સંગઠન દશરથભાઈ પટેલ તથા મહામંત્રી પસાભાઈ જાદવ માંડલ તાલુકા યુવા મોરચાના ઉપપ્રમુખ ભરતસિંહ ઠાકોર,મનુભાઈ ડોડીયા સહિત તાલુકાના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
- શંકર ચૌધરી આવતા માંડલ તાલુકાના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો
શંકર ચૌધરીના કહ્યા અનુસાર 15 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરનામું બહાર પડશે. રોજના 50 લોકોને મળવું ભાજપ માટે તેમની વિચારધારા છે તેની તપાસ કરી પ્રજાને ખેડૂત બિલ વિશે સાચી સમજ આપો. ટિકિટ ન મળે તો નારાજ ન થવું, માત્ર ભાજપને જોઈને કામ કરવું.તમામ કાર્યકર્તાઓએ પ્રથમ પોતાના બૂથની પેજ કમિટી બનાવી મતદારયાદી ચેક કરવાનું લક્ષ્ય પણ આપવામાં આવ્યું હતું.
- માંડલ તાલુકા પંચાયતની 16 બેઠકો ભાજપને મળે તેવું આયોજન
જિલ્લાની બે બેઠકો ઉપર બંને ભાજપના ઉમેદવાર ચૂંટાય તેવી મહેનત કરવા નેતાઓએ પાનો ચડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત ટર્મની ચૂંટણીમાં જિલ્લાની માંડલ અને સીતાપુર બંને બેઠકો ઉપરથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયાં હતાં અને તાલુકા પંચાયતમાંથી 16 માંથી 13 કોંગ્રેસે હાંસલ કરી હતી. ગત ટર્મની ચૂંટણીમાં આવેલ પરિણામોનું પુનરાવર્તન ન થાય તે માટે ખભેખભો મિલાવીને માત્ર નિષ્ઠાથી પાર્ટી અને કમળનું કામ કરી તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તે જરૂરી છે તેવું જણાવવામાં આવ્યું હતું. શંકર ચૌધરીએ હૂંકાર ભણ્યો હતો કે તાલુકાની 16 અને જિલ્લાની 2 બેઠકો પર કોંગ્રેસનો સફાયો કરી કોંગ્રેસનું નામું નંખાઈ દેવુંં જોઈએ.