- શાહીબાગમાં મહિલાનાં આંખમાં સ્પ્રે મારી લૂંટફાટનો પ્રયાસ
- નળનું રિપેરીંગ કરવા આવ્યા હોવાનું કહીને કર્યો પ્રવેશ
- મહિલાએ બુમાબુમ કરતા પાડોશીઓએ એક આરોપીને પકડ્યો
અમદાવાદઃ બપોરના સમયે ઘરમાં એકલા રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પોલીસ(Ahmedabad Police) કસ્ટડીમાં દેખાતા આ બંને ઇસમોના નામ છે ધર્મેન્દ્ર સોલંકી અને તેજસ પરમાર. આ બંને ઈસમોએ શાહીબાગમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા ડિમ્પલ શાહને નામની મહિલાના ઘરે જઈને રસોડાના નળને રીપેરીંગ(Repairing) કરવાના નામે ઘરમાં પ્રવેશ કર્યો હતો. રસોડામાં મહિલા સાથે જ તેના વાળ પકડીને તેની આંખોમાં સ્પ્રે નાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન મહિલાને આંખોમાં બળતરા થતા તેણે બૂમાબૂમ કરતા પાડોશીઓ આવી ગયા હતા. ત્યારે ધર્મેન્દ્ર સોલંકીને ઝડપીને શાહીબાગ પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
લુટ કરનાર 1 વર્ષ પહેલા મહિલાના ઘરમાં લાઈટ ફીટીંગ કરવા આવેલો હતો
સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ધર્મેન્દ્ર સોલંકીને ઝડપીને પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેની સાથેનો ફરાર આરોપી તેજસ પરમાર છે. મોડી રાત્રે શાહીબાગ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. મહત્વનું એ છે કે લૂંટનો પ્રયાસ કરનાર આરોપી ધર્મેન્દ્ર સોલંકી 1 વર્ષ પહેલા મહિલાના ઘરમાં લાઈટ ફીટીંગ કરનાર વ્યક્તિની સાથે આવ્યો હતો. જેથી તેને આ ઘરના સભ્યો વિશે જાણકારી હતી. ત્યારે બપોરના સમયે બંને ઈસમોએ લૂંટનો પ્લાન બનાવી મહિલાના ઘરે જઈ તેના પતિ વિનોદ શાહે રસોડાના નળને રીપેર કરવા મોકલ્યો હોવાનું જણાવી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે મહિલાની સજાગતાના કારણે આ લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.