- અસદુદ્દીન ઓવૈસીની રીવરફ્રન્ટ પર જનસભા
- ઓવૈસીના BJP-કોંગ્રેસ પર પ્રહાર કર્યા
- 21 બેઠકો જીતાડવા કરી અપીલ
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની પણ એન્ટ્રી થઈ છે. ઉલ્લેખનીય છે કે, AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી ગુજરાતના પ્રવાસે હતા. તેમણે ભરૂચ બાદ અમદાવાદમાં ચૂંટણી સભા યોજી હતી. આ સભામાં તેમણે ભાષણ આપતા ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે વર્ષ 2002ને પણ યાદ કર્યું હતું. અસદુદ્દીન ઓવૈસીના સ્વાગત માટે મોટી સંખ્યમાં કાર્યકરો હાઈવે પર ધસી આવ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસમાં તાકાત નથી કે બીજેપીને હરાવી શકે
સભા પહેલા વારીસ પઠાણે કોંગ્રેસ અને અન્ય પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું છે કે, 'અત્યાર સુધી આ લોકોએ આપણા માટે કઈ ન કર્યું. હવે આપણી પાર્ટી આવી ગઈ છે, જેથી તમામ લોકો સાથ આપજો' અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસમાં તાકાત નથી તે BJPને હરાવે. હવે આ લોકોનો સમય પૂર્ણ થયો છે'
મારી ગુજરાતની સફર ચૂંટણી માટે નથી
અસદુદ્દીન ઓવૈસીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની આ સફર માત્ર ઈલેકશન પુરતી નથી. લોકો એવું વિચારે છે કે, હું માત્ર ચૂંટણી માટે આવ્યો છું પણ હું 2002માં 25 ડોક્ટરો અને 50 લાખની દવાઓ લઈને આવ્યો હતો. સરકારના મેડિકલ કેમ્પમાં ગુજરાત સરકારની દવાઓ હતી, તે દવા આઠ મહિના જૂની અને એક્સપાયરી ડેટવાળી હતી. 2002માં કરફ્યુ હતો. હું હૈદરાબાદથી ડોક્ટરો લઈને આવ્યો હતો. કોઈ એક મુસ્લિમ ફાઈવસ્ટાર હોટેલમાં આવ્યો હતો. શાહઆલમમાં મેડિકલ કેમ્પ લગાવ્યો હતો. બેથી ત્રણ દિવસ કેમ્પમાં 10,000 લોકો એવા હતા જેઓની તમામ વસ્તુ લૂંટાઈ ગઈ હતી. આ દરમિયાન અસદ્દુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસ મોદી અને RSSથી ડરે છે. વડાપ્રધાનપદની ઈજ્જત કરીએ છીએ પણ મોદીથી ડરતા નથી.
કોંગ્રેસ પાર્ટી મોદીથી ડરે છેઃ ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ભાષણમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધા હતા અને જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ લોકો માટે સારી હોત તો મારે હૈદરાબાદથી અહીંયા આવવાની જરુર ન હોત. આ કોંગ્રેસ પાર્ટી મોદીથી ડરે છે.