એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે પોર્ટ પર ફ્રી કન્ટેઇનર સ્ટોરેજ સર્વિસ ઓફર કરી - પીપાવાવ પોર્ટ
એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે તારીખ 1 થી 15 એપ્રિલ, 2020 સુધી તમામ કન્ટેઇનર્સ માટે ફ્રી સ્ટોરેજ સર્વિસ લંબાવી છે, જેમાં બંને દિવસ સામેલ છે. તાજેતરમાં કોવિડ-19 રોગચાળાને કારણે સરકારે જાહેર કરેલા લોકડાઉન વચ્ચે એક્સટેન્ડેડ લોજિસ્ટિક ચેઇન સાથે ફ્લેક્સિબિલિટી ઓફર કરાશે તથા સલામતી સુનિશ્ચિત કરવા વિસ્તૃત પગલાં લેશે.
પીપાવાવ/અમદાવાદ- કોરોના વાયરસને ફેલાવાને કારણે હાલ 14 એપ્રિલ સુધી લૉક ડાઉનની સ્થિતિ છે, ત્યારે પીપાવાવ પોર્ટ લિમિટેડે 15 એપ્રિલ સુધી તમામ કન્ટેઈનર્સ માટે ફ્રી સ્ટોરેજ સર્વિસ લંબાવી છે. ડાઉનસ્ટ્રીમ સર્વિસીસ પર અસરને કારણે બંદર પર સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અપેક્ષિત છે. કંપની અધિકારીએ જણાવ્યું હતું કે અમારા પોર્ટ પર ફ્રી સ્ટોરેજ સુવિધાથી ગ્રાહકોને આગળ જતાં લોજિસ્ટિકની યોજના બનાવવામાં અને સપ્લાય ચેઇનને જાળવવામાં મદદ મળશે. સ્ટોરેજ સાથે સંબંધિત કોઈ પણ પૂછપરછ માટે અમારી કમર્શિયલ ટીમો જોડાણ કરીને ખુશી અનુભવશે.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, “અમારા પોર્ટ પર ફ્રી સ્ટોરેજ સર્વિસનું એક્ષ્ટેન્શન તેમની ચીજવસ્તુઓની આગળ અવરજવર માટે અમારા ગ્રાહકોને ફ્લેક્સિબિલિટી આપશે. અમે આ પડકારજનક સમયમાં અમારા ગ્રાહકો માટે સપ્લાય ચેઇનને સરળ બનાવવા કટિબદ્ધ છીએ અને આ એ દિશામાં નાનું પગલું છે.” એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટ પર કોવિડ-19ને પગલે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (ડીજીએસ), ભારત સરકાર, ગુજરાત સરકાર અને સ્થાનિક કાયદેસર સંસ્થાઓની માર્ગદર્શિકાઓને અનુરૂપ સલામત કામગીરી જાળવી રાખશે.