અમદાવાદ: કોરોના વાઈરસનું સંક્રમણ અમદાવાદમાં સતત વધી રહ્યું છે. દરરોજ પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં ખાસ ઝુંબેશ હાથ ધરીને અમદાવાદ શહેરમાં સુપર સ્પ્રેડર એટલે કે, કરિયાણું, શાકભાજીવાળા, દુકાનવાળા, દુધવાળા સહિતના લોકોનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
છેલ્લા એક અઠવાડિયામાં 33,500 જેટલા સ્પ્રેડરનું હેલ્થ ચેકિંગ કર્યા બાદ 6,587 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પણ આશ્રર્યજનક અમદાવાદ શહેરમાં જે રીતે કોરોના વાઈરસના કેસ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ઉમેરીને જાહેર કરવાને બદલે આ માહિતી એક અઠવાડિયા સુધી છુપાવવામાં આવી હતી. જે બાદ આ અચાનક 709 કેસ ઉમેરી દેવામાં આવ્યા હતા.
તંત્ર છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવના લિસ્ટને દબાવી રહી છે. ટેસ્ટના આંકમાં ભરાયેલી એએસી હવે લિસ્ટ જાહેર ન કરવાની રણનીતિ અપનાવી રહી છે. ત્યારે આ 709 સુપર સ્પ્રેડરનું લિસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
કોરોનાના ટેસ્ટિંગમાં 709 સુપર સ્પેડર્સ ઉમેરીને લિસ્ટ આપ્યા બાદ જયંતિ રવિએ બે દિવસ પહેલા તેમાં સુધારો કર્યો હતો, અને નવેસરથી પ્રેસ બ્રિફીંગ કર્યું હતું. પરંતુ આ વિવાદ હજૂ શમ્યો નથી. આ 709 કોરોના કેસનું લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. આ લિસ્ટ મોટા ભાગના ગ્રુપોમાં ફરી રહ્યું છે, અને કહેવામાં આવે છે કે સાવચેત રહેજો. આમાંથી તમે તો કોઈના સંપર્કમાં નથી આવ્યાને તે ચેક કરી લો.
મોટી સંખ્યામાં દુકાનદારો અને શાકભાજી વેચનારા લોકોની તપાસ કર્યા બાદ આ 709 “સુપર સ્પ્રેડર્સ” મળી આવ્યા છે. બે દિવસ પહેલાં જ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 700 લોકો સિવાય સ્ક્રિનિંગ થયેલા લોકોને હેલ્થ કાર્ડ અપાયા છે. હાલમાં કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદીઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.