લોકડાઉન દરમિયાન સમગ્ર ભારતમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશને 5 કરોડ લોકોને ભોજન વિતરણ કર્યું - મિડ ડે મિલ સ્કીમ
કોરોના વાઇરસ મહામારીમાં સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા બે મહિના સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેને લઇને તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. પરિણામે કરોડો ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જેઓ રોજ કમાઇને રોજ ખાતા હતા. તો સામે પક્ષે કેટલાય એવા સેવાભાવી લોકો અને સંસ્થાઓ પણ હતી, જેમણે છૂટથી આ સમયમાં ગરીબોને મદદ કરી અને માનવતા ટકાવી રાખી હતી.
અમદાવાદ : ગુજરાતમાં આવું જ એક નામ એટલે 'અક્ષય પાત્ર ફાઉન્ડેશન' અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 2000માં થઇ હતી. આ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલે છે. જેનું હેડક્વાર્ટર્સ બેંગ્લોર ખાતે આવેલું છે. જેના ચેરમેન મધુ પંડિત દાસ છે. ભારતના 12 રાજયો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનનું અસ્તિત્વ છે. જેમાં આંધ્રપ્રદેશ,આસામ, છત્તીસગઢ,ગુજરાત, કર્ણાટક,ઓરિસ્સા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
અક્ષયપાત્ર ફાઉન્ડેશન ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સરકારી શાળાઓમાં 'મિડ ડે મિલ સ્કીમ' એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને ભોજન પૂરું પાડે છે. આ માટે સમગ્ર દેશમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના 52 રસોડા આવેલા છે. જ્યારે ગુજરાતમાં તેના 7 રસોડા આવેલા છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવતું ભોજન શુદ્ધ, સ્વચ્છ અને ન્યુટ્રીશનથી ભરપૂર હોય છે. આ સાથે તેઓ ગૌ પાલન અને બાયોગેસ પ્લાન્ટ જેવી પર્યાવરણીય અનુકૂલન પદ્ધતિઓનો વિકાસ પોતાનાં પ્રાંગણમાં કરવા માટે જાણીતું છે. સમગ્ર દેશમાં 25 લાખ બાળકોને આ સંસ્થા ભોજન પૂરું પાડે છે, અને સૌથી મોટી વાત એ છે કે, કોરોના મહામારી દરમિયાન આ સંસ્થાએ 5 કરોડ લોકોને ભોજન પૂરું પાડ્યું છે. જ્યારે ગરીબોને લગભગ 7.5 લાખ રાશન કીટ પૂરી પાડી છે.