અમદાવાદઃ વડોદરા,સુરત, રાજકોટ સહિતના શહેરોમાં શુક્રવાર સાંજ સુધીમાં કોરોના વાઈરસના સાત જેટલા કેસ પોઝિટિવ આવતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. તંત્ર દ્વારા કેટલીક સેવાઓ પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદના કાપડ બજાર પણ ચાર દિવસ સુધી બંધ પાળશે.
20મી માર્ચેથી 24 માર્ચથી સુધીના સમયગાળા દરમિયાન અમદાવાદના વિવિધ કાપડ બજાર દુકાનો બંધ રાખશે. રાજ્યમાં કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, ત્યારે શહેરના કાપડ વ્યવસાયકાર બેઠક બોલાવ્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
રાયપુર મસ્કતી કલોથ માર્કેટ દ્વારા આ અંગે સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે. ઢાલગરવાડ, સિંધી માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ સહિત મોટાભાગના કાપડ બજાર બંધ પાળશે. બજારોમાં ગ્રાહકોની અવરજવર વધારે હોય છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સાંજે જ ઢાલગરવાડ, લાલ દરવાજા કોટ વિસ્તારમાં આવેલા કેટલાક માર્કેટ બંધ કરી દેવાયા હતા. વડાપ્રધાન મોદીએ 22 માર્ચના રોજ લોકોને જનતા કફર્યું આપવા અપીલ કરી છે અને આ સમયગાળા દરમિયાન લગભગ બધી જ સેવાઓને બંધ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અમેરિકાથી અને ફિનલેન્ડથી પરત ફરેલી બે યુવતીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં સનસનાટી થઈ ગઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ વધુ ન વણસે તેના માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 31મી માર્ચ સુધી શહેરના તમામ પાનના ગલ્લાને બંધ રાખવાનો આદેશ કરાયો છે.